રાજકોટમાં ભુવાના વશમાં આવી ગયા બાદ તેના ત્રાસથી કંટાળી ર૬ વર્ષની નર્સિંગની છાત્રાએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે યુવતી પરિવારે હત્યા કરાયાનો આક્ષેપ કર્યો હતો. તપાસના અંતે તાલુકા પોલીસે ભુવા સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. મવડી ગામમાં રહેતી કોમલ કેતનભાઈ સાગઠીયાએ હોળીના દિવસે સાંજે ઝેરી દવા પી લેતાં તેને સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેનું રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. પિતા સહિતના પરિવારજનોએ કોમલને પોતાને ભુવા તરીકે ઓળખાવતા કેતને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કર્યા બાદ કોમલના પિતા ધીરજલાલ ધનજીભાઈ સોલંકી (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી કેતન સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મનપામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા અને ભગવતીપરા શેરી નં.૧૩માં રહેતાં ધીરજલાલે ફરિયાદમાં જણાવ્યું કે તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાંથી સૌથી મોટી કોમલ હતી. એકાદ વર્ષ પહેલા જે મવડી ગામમાં માતાજીના માંડવામાં ગઈ હતી. જયાં કેતન ભુવા તરીકે દાણા જોવા આવ્યો હતો. તે વખતે તેના સંપર્કમાં આવી હતી. આ પછી કેતન તેના ઘરે બે વખત દાણા જોવા આવ્યો હતો. તે વખતે તેણે કોમલને કહ્યું કે તારા પપ્પા ઉપર મેલી વિદ્યા છે, તે વહેલા મરી જશે. જે વાત સાંભળી કોમલ તેના વશમાં આવી ગઈ હતી. કેતન તેની પુત્રીને કહેતો કે હું જેમ કહું તેમ કરશો તો પૈસાનો વરસાદ થશે. આ બધી વાતોને કારણે કોમલ કેતનના પ્રભાવમાં આવી ગઈ હતી.
એકાદ વર્ષથી કોમલ ઘરે કહેતી કે હું ભાડે રહું છું, પરંતુ તેના પરિવારે તપાસ કરતાં કેતન સાથે મવડી ગામમાં તેના મકાનમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. કોમલ ચાર-પાંચ દિવસે તેની માતા ભાવનાબેનને કોલ કરી જણાવતી કે કેતન મને બહુ હેરાન-પરેશાન કરે છે, મારી સાથે મારકૂટ પણ કરે છે. આ ઘટનાક્રમ વચ્ચે કોમલે દસેક મહિના પહેલાં કેતનના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. તે વખતે તેને મેસેજ કર્યો હતો કે મમ્મી-પપ્પા હું એકલી પડી ગઈ છું, કેતન મને બહુ હેરાન કરે છે, મે તેનો ભરોસો કર્યો છે, તેણે મારો ઉપયોગ કર્યો છે, તેને બીજી વાઈફ છે, જેની સાથે તે વાતો કરે છે, મારી સાથે ખોટું બોલે છે, મારા ઉપર કાળા-ધોળા દોરા કરે છે, મને મુકતો નથી, બહુ જ હેરાન-પરેશાન કરે છે. આ વાત સાંભળી કોમલને પોતાના ઘરે લઈ આવ્યા હતા. બાદમાં તે મિત્રને ત્યાં જવું છે તેમ કહી ફરીથી કેતન સાથે રહેવા જતી રહી હતી. ત્રણ-ચાર મહિના પહેલા કોલ કરી ફરીથી કેતન હેરાન-પરેશાન અને મારકૂટ કરતો હોવાની ફરિયાદ કરી હતી. જેને કારણે પરિવારજનોએ કેતનના ઘરે જઈ સમજાવટ કરી હતી. પરંતુ તેણે કોમલને ઘરે આવવા દીધી ન હતી. એટલું જ નહીં તમારી દીકરીને નહીં આવવા દઉ તેમ પણ કહી દીધું હતું. આ રીતે તેની પુત્રી કોમલે આખરે કેતનના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.
