ઓડિશા-ઝારખંડ બોર્ડર પર 14 જૂન ભયાનક આઈઈડી વિસ્ફોટ થતાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે. નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો, બંને રાજ્યોની પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધરી હથિયારો અને હથિયારો લૂંટનારા નક્સલીઓને શોધવા માટે જંગલમાં ગયા હતા. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા ઉત્તર પ્રદેશના જવાન શહીદ થયા છે. અધિકારીઓએ કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશના કુશીનગરના રહેવાસી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સત્યવાન કુમાર સિંહ શહીદ થયા છે. તેઓ સીઆરપીએફની 134મી બટાલિયમાં હતા.
તેઓ ઓડિશા પોલીસ, ઝારખંડ પોલીસ અને સીઆરપીએફ સાથે સંયુક્ત અભિયાનમાં સામેલ હતા. સીઆરપીએફએ કહ્યું કે, ‘નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલી અમારી ટીમ જંગલમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન જમીનમાં છુપાવાયેલ ઈમ્પ્રોવાઈજ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ બ્લાસ્ટ થયો હતો, જેમાં ASI સત્યવાન કુમાર ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલીક રાઉરકેલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું છે. સીઆરપીએફના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ASI સત્યવાન કુમાર શહીદ થયા હોવાની પોસ્ટ કરીને તેમના સાહસને બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે, નક્સલવાદીઓએ 27 મેના રોજ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં આવ્યા હતા અને અહીં તેઓએ પથ્થરની ખાણ પાસેથી વિસ્ફોટકોનો જથ્થો લઈ ગયા હતા. ત્યારબાદ સીઆરપીએફે વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવા માટે જંગલોમાં અભિયાન હાથ ધર્યું હતું, જ્યાં આઈઈડી વિસ્ફોટ થતા એએસઆઈ સત્યવાન કુમાર શહીદ થયા છે.
