રાહત નિયામક અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં IMDનાં અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે.
આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે. એન.ડી.આર.એફ.નાં અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની કુલ 34 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ બેઠકમાં સિંચાઇ વિભાગનાં અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યનાં 206 જળાશયો પૈકી 15 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 11 જળાશયો વોર્નિંગ પર છે. GSRTC અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસનાં રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં CWC મહી અને તાપી ડિવીઝન, વન, આરોગ્ય, ઊર્જા, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ISRO, ફીશરીઝ, વિભાગના નોડલ અઘિકારીઓ હાજર રહ્યાં હતા.
