રાજધાની દિલ્હીમાં ૧૫ વર્ષ જુના પેટ્રોલ અને ૧૦ વર્ષ જુના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો અમલ થતા જ પોલીસ હવે આવા તમામ જુના વાહનોને જપ્ત કરવા લાગી છે. મંગળવારે દિલ્હી પોલીસે આવી બે બાઇક જપ્ત કરી લીધી હતી જે હવે સ્ક્રેપમાં મોકલવામાં આવશે. અચાનક જ લોકોના વાહનો જપ્ત થવા લાગ્યા હોવાથી લોકોમાં એક પ્રકારની અકળામણ પણ જોવા મળી રહી છે. ટ્રાફિક ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે, નિયમો મુજબના જુના વાહનોના ચેકિંગ દરમિયાન બે બાઇક જપ્ત કરવામાં આવી છે.
જેને હવે સ્ક્રેપરને સોંપવામાં આવશે. જે બાદ વાહનના માલિકને સ્ક્રેપની જે વેલ્યૂ આવશે તે રકમ સોંપવામાં આવશે.
પોલીસ અને પરિવહન વિભાગ સીધા પેટ્રોલ પંપો પર જ આવા વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધુ છે. મંગળવારે આશરે ૩૫૦ જેટલા પેટ્રોલ પંપો પર ચેકિંગ કર્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસે ૧૦૦ પંપો જ્યારે પરિવહન વિભાગે ૫૯ પંપો પર ચેકિંગ કર્યું હતું. એવા પણ પેટ્રોલ પંપોને કેટેગરીમાં મુક્યા છે કે, જેઓ અત્યંત સંવેદનશીલ હોય જેની સંખ્યા ૯૦થી પણ વધુ છે. આ નીતિનો અમલ થતા જ દિલ્હીમાં આવા જુના વાહનોનું વેચાણ પણ વધી ગયું છે. વાહન માલિકો જુના વાહનો અન્ય રાજ્યોમાં વેચવા લાગ્યા છે. જ્યારે દંડથી બચવા માટે ભંગારમાં વેચવા લાગ્યા છે.
