ધરમપુરનાં મોટી વહિયાળ ગામનાં નદી ફળિયામાં રહેતા સુનિલભાઈ વસન્તભાઈ માહતું તારીખ ૧૦/૦૫/૨૦૨૫ નારોજ ફળિયામાં રહેતા અરવિંદભાઈના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તેમના મિત્ર રાહુલ છનાભાઈ ડબકિયા સાથે ગયા હતા. વરઘોડો મોટી વહિયાળથી ધરમપુરનાં ભેંસધરા ગામે જનાર હોય, સુનિલભાઈ અને તેમના મિત્ર રાહુલ નવી બાઈક લઈને નીકળ્યા હતા.
તે સમયે સુનિલે અચાનક બ્રેક મારી દેતા બાઇક સ્લીપ થઈ હતી. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સુનીલનું રવિવારે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, ધરમપુરનાં નોબતી ફળિયામાં રહેતા કમરઆઝમ અશગરમુનીલ ખાન મજૂરી કામ કરે છે. તેઓ શનિવારે તેમના ભાઈ શાદિક વેલાત ખાન અને ૨ વર્ષીય પૌત્ર આસિમને બાઈક ઉપર બેસાડી બિલપુડી ખાતે આવેલ તેમની દુકાને જવા માટે નીકળ્યા હતા. તેઓ બિલપુડી બાય પાસ રોડ પાસેથી પસાર થતા હતા. તે સમયે કન્ટેનરના ચાલક નિયાઝ અહમદ મોહંમદ અયુબ (રહે.પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ)એ બાઈકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક શાદિક ખાન અને બાઈક સવાર કમરઆઝમ તથા તેમનો ૨ વર્ષીય પૌત્ર રોડ પર પટકાયા હતા. જે પૈકી ૨ વર્ષીય બાળક અસિમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
