તાપી જિલ્લામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. જિલ્લાના સાતેય તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, તમામ નદી બંને કાંઠે વહેતી થઇ છે, રસ્તાઓ તથા ચેકડેમ અને નાળાઓ પરથી પાણી ફરી વળ્યા છે. જેના કારણે જીવના જોખમે પસાર થવા લોકો મજબુર બન્યા છે.આ વચ્ચે ઉચ્છલના માણેકપુરગામ માંથી દુઃખ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઉચ્છલના માણેકપુર ગામે પટેલ ફળિયામાં રહેતા ખેડૂત રતિલાલભાઈ રાવજીભાઈ ગામીત (ઉ.વ.૫૬)ના ખેતરમાં ડાંગરની રોપણી ચાલુ હોય, તારીખ ૦૬/૦૭/૨૦૨૫ નારોજ સવારે ઘરેથી ખેતરે જઈ રહ્યા હતા. દરમિયાન ચેકડેમ પરથી પસાર થતા હતા.
ત્યારે સામે ખેતર તરફથી આવી રહેલા ખેત મજુર સુરેશભાઈ શામજીભાઈ વળવી(ઉ.વ.૫૮,રહે.માણેકપુર ગામ,પટેલ ફળિયું તા.ઉચ્છલ) નો પગ ચેકડેમ પરથી લપસી ગયો હતો અને નદીના પાણીમાં ખાબક્યો હતો.જેથી તેને બચાવવા રતિલાલ પણ પાછળ કૂદ્યો હતો.
પરંતુ તે વખતે નદીમાં પાણીનો વ્હેણ વધુ હોવાથી બન્ને જણા તણાયા હતા.ત્યારબાદ જ્યાં પડ્યા હતા ત્યાંથી જ અધમુવો હાલતમાં રતિલાલ મળી આવ્યો હતો.જેથી તાત્કાલિક તેને બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવાયો હતો.પરંતુ પાણી વધારે પીવાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. જયારે સુરેશ વળવીની શોધખોળ માટે વ્યારા થી ફાયર ફાયટરની ટીમ સાથે તરવૈયાની ટીમ પહોંચી હતી. જોકે ઘટનાના બીજા દિવસે એટલેકે, તારીખ ૦૭/૦૭/૨૦૨૫ નારોજ સાંજે ૮ કલાક સુધી સુરેશભાઈ શામજીભાઈ વળવીનો કોઈ પત્તો લાગ્યો નથી. બનાવ અંગે રાહુલ સુરેશભાઈ વળવીની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
