ગાંધીનગર શહેર નજીક પુન્દ્રાસણ પાસે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કારની ટક્કરે ત્રણ યુવકો ઘાયલ થયા હતા. જે પૈકી એક યુવકનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલમાં મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે પેથાપુર પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, પુન્દ્રાસણ ગામમાં હુડકો વિભાગમાં રહેતા જગદીશજી બળદેવજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, સાંજના સમયે તેમના ભાઈ પ્રવીણભાઈ બળદેવજી ઠાકોર, આનંદ ભરતજી ઠાકોર અને દર્શન જગદીશજી ઠાકોર બાઈક લઈને કોઈ કામ અર્થે વાવોલ ગામમાં ગયા હતા અને જ્યાંથી તેઓ પરત પુન્દ્રાસણ આવી રહ્યા હતા આ દરમિયાન પુન્દ્રાસણમાં પ્રહલાદભાઈના ભઠ્ઠા પાસે એક કાર દ્વારા તેમની બાઈક સાથે અકસ્માત કરવામાં આવ્યો હતો અને જેમાં આ ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે પ્રવીણભાઈનું મોત થયું હતું. જ્યારે ઘાયલ આનંદજી ઠાકોરને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે પેથાપુર પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
