મુંબઈના પાલઘર જીલ્લાના વિરારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર માળની બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. જેના લીધે ત્રણ લોકોના મોત થયા છે. તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુંબઈ નજીકના વિરારમાં નારંગી ફાટા સ્થિત રામુ કંપાઉન્ડના સ્વામી સમર્થ નગરના રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ચાર માળની બિલ્ડીંગના પાછળના ભાગમાં ચોથા માળનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેની બાદ નાસભાગ મચી હતી. પોલીસે આ દુર્ઘટનામાં છ લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા.આ ઉપરાંત આ દુર્ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળ દુર કરીને રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ છે. તેમજ હજુ પણ 15 થી 20 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના ગત મોડી રાત્રે 11. 30 વાગ્યેની આસપાસ બન્યો હતો. આ બિલ્ડીંગ 10 વર્ષ જુની છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા તેને ભયજનક પણ જાહેર કરવામાં આવી છે.



