નવસારીના વિજલપોરની શિવકૃપા સોસાયટીમાં રહેતા એક શખ્સને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.૨૨.૧૫ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર અજાણ્યા ઈસમા સામે વિજલપોર પોલીસ સ્ટેશનમાં સાયબર ફોડની ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરતભાઈ પાંડુભાઈ ટંડેલ (રહે.શિવકૃપા સોસાયટી, આશાપુરી વિજલપોર રોડ, નવસારી) ડ્રાઇવિંગના ધંધા સાથે જોડાયેલા છે. તારીખ ૨૯મી એપ્રિલના રોજ તેઓ ઘરે હતા. તે સમયે તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.
જેમાં ઠગબાજોએ પોતે ટેલિકોમ કંપની અને કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી હોવાની ઓળખ આપી વાતચીતો શરૂ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ભરતભાઈ ટંડેલને તમારી મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિ તેમજ હત્યા કેસમાં સંડોવણી બહાર આવી છે તમને એરેસ્ટ કરવા પડશે તેમ કહી તેમના નામનો પોલીસના લોગોવાળા સહી સિક્કાનો લેટર બતાવી ડરાવી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને ઓનલાઈન મોબાઈલ ફોનમાં વીડિયો કોલિંગના આધારે બંધક બનાવ્યા હતા અને સુધીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની ફીઝ ઓર્ડર તથા સીબીઆઈનો લેટર તેમના whatsapp પર મોકલી તેમના અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ કરવી પડશે અને તમામ રૂપિયાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વેરિફિકેશન કરવાનું હોય, તમામ એકાઉન્ટનાં રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે અને જો એમાં કશું નહીં નીકળે તો ફરીથી તમને એકાઉન્ટમાં પરત કરી દઈશું તેમ કહી એકાઉન્ટ નંબરો મોકલાવી નાણાં ઓનલાઇન ટ્રાન્સહર કરવાનું કહ્યું હતું.
પોલીસ અને સીબીઆઈ તેમજ સુપ્રીમ કોર્ટના લોગો સાથેના સહી-સિક્કાવાળા લેટર જોઈ ગભરાઈ ગયેલા ભરતભાઈ ટંડેલે ઘરમાં કોઈને કહ્યા વગર ચૂપચાપ બેંકમાં જઈ જુદા જુદા પાંચ એકાઉન્ટમાં રૂપિયા ૨૨.૧૫ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા. ત્યારબાદ તેમને પોતે સાઈબર કોડનો શિકાર બન્યા હોવાનો અહેસાસ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વિજલપોર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
