તાપી જિલ્લાનાં છેવાડાનાં તાલુકો કુકરમુંડાનાં પિશાવર ગામનાં પોલીસ ચેક પોસ્ટ પાસેથી મહિન્દ્રા પીકઅપ ટેમ્પોમાંથી ટામેટાની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી જતાં રાજસ્થાનનાં બે યુવકને ઝડપી પાડી રૂપિયા ૯,૫૭,૫૭૬/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહિન્દ્રા પીકઅપ ટેમ્પો નંબર એમપી/૧૨/ગીએ/૧૫૮૧નો ચાલક તેના ટેમ્પામાં ટામેટાની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર રાજ્યના પ્રકાશા તરફથી પીશાવર તરફ આવનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસોએ પીશાવર પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાતમીવાળી મહેન્દ્ર પીકઅપ ટેમ્પો આવતા જોઈ પોલીસે ટેમ્પોને રોકી સાઈડમાં પાર્ક કરાવી હતી અને પોલીસે પીકઅપ ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાં સડેલા ટામેટાની કેરેટ નીચે ભારતીય બનાવટનાં અલગ અલગ બ્રાન્ડની ઇંગલિશ દારૂની કૂલ ૨,૫૦૮ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૪,૫૨,૦૭૬/- હતી. ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, શ્યામલાલ બગદીરામજી ભીલ અને ચાલકની સાથેનાં શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ભરત જગનનાથ માલી (બંને રહે.ડુંગલા તાલુકા, જિ.ચિત્તોડગઢ, રાજસ્થાન)ના હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભરી આપનાર રાજુ ઉર્ફે નરેશજી મોતી (રહે.ઉદેપુર)ને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પીકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫ લાખ, બે નંગ મોબાઈલ પ્લાસ્ટિકની કેરેટ 17 નંગ અને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪,૫૨,૦૭૬/- મળી કૂલ રૂપિયા ૯,૫૭,૫૭૬/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જયારે એકને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
