પહલગામમાં આતંકી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. આવા સમયે પણ પાકિસ્તાનના સૈન્યે અંકુશ રેખા પર સતત ત્રીજા દિવસે ગોળીબાર ચાલુ રાખ્યો છે. ભારતીય સૈન્યે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. બીજીબાજુ ભારત પૂર્ણ સ્તરનું યુદ્ધ કરી શકે છે તેવો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે, જેના પગલે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. પાકિસ્તાન એલઓસી પર સૈન્ય ખડકી રહ્યું છે.
દરમિયાન એનઆઈએ પહલગામ હુમલાની તપાસ શરૂ કરી છે, જેમાં અનેક ઘટસ્ફોટ કરવામાં આવે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવતા સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવા સહિત અનેક પગલાં લીધા છે.
ભારત પાકિસ્તન સાથે પૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ કરી શકે છે તેવા ડરથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના તંત્રે કટોકટી લાદવાની જાહેરાત કરી છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. ૨૫ એપ્રિલે ઝેલમ વેરીના સ્વાસ્થ્ય નિર્દેશાલયે જાહેર કરેલા આદેશમાં ‘ઈમર્જન્સી સ્થિતિ’નો હવાલો અપાયો છે. બધી જ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય યુનિટ્સમાં તબીબી કર્મચારીઓને પોતાની ફરજની જગ્યા પર તૈનાત રહેવા નિર્દેશ આપ્યો છે. પાકિસ્તાનમાં દવાઓનો સ્ટોક પણ કરવામાં આવી રહ્યો છે. પીઓકેના સરકારી તંત્રમાં જે પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે તેની ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ નોંધ લીધી છે.
તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ ગભરાટમાં પાકિસ્તાન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) નજીક અસામાન્ય રીતે સેન્ય ખડકી શકે છે અથવા પહલગામ જેવા પ્રવાસન સ્થળો પર આતંકી હુમલા વધારી શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ દક્ષિણ કાશ્મીરના પહલગામ અને આજુબાજુના વિસ્તારોમાં આતંકીઓના ઘૂસણખોરના પ્રયત્નો અને આતંકી પ્રવૃત્તિઓ ફરી સક્રિય થવાની આશંકા છે. પહલગામ અને અનંતનાગ જિલ્લામાં પેટ્રોલિંગ અને નિરીક્ષણ વધારી દેવાયા છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ)એ પહલગામ આતંકી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાની તપાસમાં અનેક ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યા છે અને વધુ આંચકાજનક માહિતી સામે આવે તેવી સંભાવનાઓ છે.
સૂત્રો મુજબ આ હુમલામાં પાંચથી સાત આતંકીઓ સંડોવાયેલા હોવાની સંભાવના છે. તેમને પાકિસ્તાનમાં તાલિમ મેળવેલા બે સ્થાનિક આતંકીઓએ મદદ કરી હોવાનું પણ મનાય છે. સૂત્રોએ જણાવ્યુ કે, આ આતંકીઓ એકે-૪૭ અને એમ-૪ રાઈફલો લઈને જંગલોમાં અંદાજે ૨૦થી ૨૨ કિ.મી. સુધી ચાલીને બૈસારન ઘાટી પહોંચ્યા હતા અને હિન્દુઓ વિરુદ્ધ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા પછી સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં અનેક લોકોની અટકાયત કરી છે તેમજ આતંકીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે.
સૂત્રોએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે આતંકી ઘટના સમયે એક સ્થાનિક ફોટોગ્રાફરે હુમલાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. હુમલા સમયે ફોટોગ્રાફર બચવા માટે ઝાડ પર ચઢી ગયો હતો. તેનો આ વીડિયો તપાસ એજન્સીઓ માટે મહત્વનો પુરાવો બની ગયો છે. વધુમાં તપાસ મુજબ પહલગામ આતંકી હુમલા અંગે સૌથી પહેલો ફોન કોલ અંદાજે ૨.૩૦ કલાકે પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ કોલ નેવીના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલનાં પત્ની હિમાંશી નરવાલે કર્યો હતો. સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં આતંકીઓ ભાગી ગયા હતા. એનઆઈએએ આ ઘટનાના પીડિતોના નિવેદનો નોંધવાના શરૂ કર્યા છે.
એનઆઈએએ હુમલાના ડિજિટલ પુરાવા પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને કરાચી સ્થિત સુરક્ષિત સ્થળો સુધી ટ્રેસ કર્યા છે, જે આ હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણીની પુષ્ટી કરે છે. માનવામાં આવે છે કે આ હુમલાને પણ મુંબઈના ૨૬-૧૧ સ્ટાઈલના કંટ્રોલ-રૂમ ઓપરેશનની જેમ કરવાના હતા.દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ હજુ પણ સક્રીય છે. કુપવારામાં આતંકીઓએ શનિવારે રાતે એક સ્થાનિક સામાજિક કાર્યકર ગુલામ રસૂલ માગરેને ગોળી મારી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગુલામ રસૂલ પર હુમલાનું કારણ હજુ જાણી શકાયું નથી. બીજીબાજુ સુરક્ષા દળોએ આતંકીઓ પર તવાઈ ચાલુ રાખી હતી. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બાંદિપોરા, પુલવામા અને શોપિયાં જિલ્લાઓમાં ત્રણ સક્રિય આતંકીઓના ઘર તોડી પાડયા હતા. શોપિયાંમાં અદનાન શફી, પુલવામામાં આમીર નઝિર અને બાંદિપોરામાં અહેમદ શેરગોજરીના ઘર તોડી પડાયા હતા. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં કુલ નવ આતંકીઓના ઘર તોડી પડાયા છે અથવા આઈઈડીથી ઉડાવી દેવાયા છે



