વાપીનાં છીરી રણછોડનગરમાં આવેલા ફલેટમાં પોલીસે છાપો મારી 14.269 કિ.ગ્રા. ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. નાની નાની પડીકી બનાવી કોન્ટ્રાક્ટમાં કામ કરતા મજૂરો અને લોકોને વેચાણ કરતો હતો. મળતી માહિતી મુજબ, વાપીના ડુંગરા પોલીસ મથકના પી.આઇ.એસ.પી.ગોહિલ અને ટીમે મળેલી બાતમીના આધારે આજે રવિવારે મળસ્કે છીરીના રણછોડનગરમાં આવેલા આશા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.202માં રહેતા લેબર કોન્ટ્રાકટર અમરેશ ગણેશ પ્રસાદ સિંગ (ઉ.વ.34) ને ત્યાં છાપો માર્યો હતો. 
પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરિક્ષણ દરમિયાન ગાંજા હોવાનું તારણ બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે 14.267 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો, રોકડા રૂ.9600, વજનકાટો, મોબાઇલ મળી કુલ રૂ.1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગાંજાનું નેટવર્ક ચલાવતા લેબર કોન્ટ્રાકટર અમરેશ સિંગની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કરેલી પૂછપરછમાં જથ્થો ઓરિસ્સાના શખ્સ પાસેથી મેળવી નાની નાની પડીકી બનાવી મજરો સહિત લોકોને છુટકમાં વેચાણ કરતો હોવાની કબુલાત કરી છે. આરોપી છેલ્લા 20 વર્ષથી વાપીમાં રહી લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે. છેલ્લા એક મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હોવાની કેફિયત રજૂ કરી હતી. પોલીસે એનસીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઓરિસસાના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાપી તથા આસપાસના વિસ્તારમાં ગાંજાનું મોટેપાયે વેચાણ થાય છે. પોલીસ સમાંયતરે ગાંજાનો જથ્થો જપ્ત કરી ગુનો પણ દાખલ કરે છે. પરંતું આ દુષણ હજી સુધી સંપૂર્ણ બંધ થયું નથી.




