જમ્મુ-કાશ્મીરનાં બડગામમાં શુક્રવારે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આતંકવાદીઓના ત્રણ મદદગારોની ધરપકડ કરી લીધી છે. મુઝામિલ અહમદ, ઇશફાક પંડિત (અગલાર પટ્ટન) અને મુનીર અહમદ (મીરીપોરા બીરવાહ) હાલ કસ્ટડીમાં છે. સૂત્રોના અનુસાર, ઝડપાયેલ ત્રણેય શખ્સો લશ્કરના આતંકવાદીઓના સંપર્કમાં હતા. સુરક્ષા દળ કાશ્મીર ખીણમાં છૂપાયેલા આતંકવાદીઓનો સફાયો કરી રહ્યું છે. વીણી-વીણીને આતંકવાદીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે.
કાશ્મીરમાં ગત ત્રણ દિવસોમાં બે અલગ અલગ અથડામણમાં કુલ છ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. સેનાએ જણાવ્યું હતું કે, કાશ્મીરના ત્રાલ અને શોપિયાંમાં બે ઓપરેશન ચલાવવામાં આવ્યા. એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં હતું જ્યારે બીજું પહાડી વિસ્તારમાં. કુલ છ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ જ રીતે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે. સુરક્ષાદળો વચ્ચે સામંજસ્ય ખૂબ સારું રહ્યું જેના કારણે ઓપરેશન સફળ રહ્યું. લોકોનો પણ સારો સહયોગ મળ્યો તેથી તેમનો પણ આભાર. વધુમાં સેનાએ અગાઉ પાકિસ્તાન તથા પીઓકે સ્થિત આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આટલું જ નહીં ઓપરેશન બાદ પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાથી પણ સેનાએ દેશને બચાવ્યો અને તમામ સૈન્ય ઠેકાણા સુરક્ષિત રહ્યા.
