ઉત્તરપ્રદેશનાં જૌનપુરમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. અહીં સૂઈ રહેલ ત્રણ લોકોની ભારે વસ્તુથી માથા પર પ્રહાર કરીને હત્યા કરી નાંખી છે. મૃતકોમાં પિતા અને બે પુત્રો સામેલ છે. આ ઘટનાથી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને મૃતદેહોને કબ્જે કરી તપાસ શરૂ કરી દીધી છે. પ્રથમ દ્રષ્ટિએ પરસ્પર વિવાદના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, જૌનપુર જિલ્લાના જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેવાદા અંડરપાસ નજીક અજાણ્યા બદમાશો દ્વારા પિતા અને પુત્રોની હત્યા કરી નાંખવામાં આવી છે. 
લોખંડના સળિયા અને હથોડાથી મારીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. મૃતકોમાં લાલજી અને તેમના પુત્રો ગુડ્ડુ કુમાર અને યાદવીર સામેલ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મૃતક લાલજી મિકેનિકલ વર્કશોપમાં કામ કરતા હતા. મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં બદમાશોએ ઘરમાં લગાવેલા CCTVના DVR પણ ઉખેડી લઈ ગયા હતા. રૂમની બહાર લોહીના ડાઘ દેખાય રહ્યા છે. હાલમાં પોલીસ ફોર્સ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે.
વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે આ મામલે જણાવ્યું કે, હત્યારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે 8 પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી છે. ઘટના અંગે જાણકારી આપતા પોલીસ અધિક્ષક ડો.કૌસ્તુભે જણાવ્યું કે, જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેવાદા અંડરપાસ નજીક વેલ્ડિંગની દુકાન છે. ગુડ્ડુ અને યાદવીર પિતા લાલજી સાથે આ જ દુકાનમાં કામ કરતા હતા. ગુડ્ડુના બનેવી દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી કે, આ ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, કોઈ ભારી વસ્તુથી ત્રણેયની હત્યા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.




