ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં દુ.બોરિદ્રા ગામે પંચાયતની જગ્યામાં મુકેલ પત્થર હટાવી લેવાની વાતે બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડો પોલીસ મથક સુધી પહોંચતા બન્ને પક્ષે બે મહિલાઓ સહિત કુલ આઠ વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકાના દુ.બોરિદ્રા ગામે રહેતા ગીતાબેન અશોક પટેલ તારીખ ૧૨ નારોજ સવારે ઘરની બહાર બેઠા હતા. તે સમયે પાડોશમાં રહેતા નારણ પટેલ તથા તેમનો દિકરો રાકેશ ગીતાબેનના ઘરની સામે બનાવેલ કપડા ધોવાની ચોકડી નજીક પંચાયતની જગ્યામાં પત્થર મુકતા હતા,
આ જોઈને ગીતાબેને પત્થર હટાવી લેવા જણાવતાં નારણે ગાળો બોલી અને મણીબેન નારણ પટેલે અને તેમના દીકરા રાકેશે ઝઘડો કરી ગીતાબેનના દિયર મહેશને માથા પર પત્થર મારી દીધો હતો, નારણે મહેશને લાકડી મારતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ઘટના અંગે ગીતાબેન નારાયણભાઈ વિરમભાઈ પટેલ, તેમના પુત્ર રાકેશ તથા મણીબેન નારણભાઈ પટેલ વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે નારણભાઈ વિરમભાઈ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ તારીખ ૧૨ મીએ સવારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમની દિવાલ પાસે પંચાયતની જગ્યામાં મુકેલ પત્થર કોઈએ તેમના આંગણામાં ખસેડયો હતો, તેથી નારણભાઈ અને તેમનો છોકરો પત્થર ફરીથી દિવાલ પાસે મુકતા હતા ત્યારે પાડોશમાં રહેતા ગીતાબેન અશોકભાઈ પટેલે ગાળો બોલી અને મહેશભાઈ ભીખાભાઈ પટેલ, ઉર્વિશભાઈ મહેશભાઈ તથા વિકાસભાઈ અશોકભાઈ, અને બ્રિજેશ અશોકભાઈ પટેલે ભેગા મળીને મારમાર્યો હતો. બનાવ અંગે ઝઘડિયા પોલીસે નારણભાઈ પટેલની ફરિયાદ અશોકભાઈ મુજબ ગીતાબેન પટેલ, મહેશભાઈ ભીખાભાઈ પટેલ, ઉર્વિશભાઈ મહેશભાઈ પટેલ, વિકાસભાઈ અશોકભાઈ તથા બ્રિજેશ અશોકભાઈ પટેલ વિરૂધ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




