રાજકોટનાં રૈયાધારમાં આવેલા શાંતિનગરમાં રહેતી પરીણીતાએ બેંગ્લુરૂમાં રહેતાં પતિ દર્શન અરૂણભાઈ જાની, નણંદ ફાલ્ગુનીબેન અને મોરબીમાં રહેતા બીજા નણંદ સંગીતાબેન જયંતભાઈ રાવલ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, ર૦રરમાં તેના બેંગ્લુરૂમાં આવેલી એક કંપનીમાં લીડ સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી કરતાં દર્શન સાથે લગ્ન થયા હતા. જોકે પતિના આ બીજા લગ્ન હતા. લગ્નબાદ સંયુકત કુટુંબમાં રહેવા ગયા હતા. ઘરસંસાર એકાદ મહિનો સારી રીતે ચાલ્યા બાદ નણંદ ફાલ્ગુનીએ ઘરકામ અને રસોઈ બાબતમાં ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. થોડા સમય પછી બીજા નણંદ સંગીતાબેન પણ આવ્યા હતા.
જે નાના નણંદને કહેતા કે સ્વાતિને રસોઈ બનાવતા, ઘરકામ કરતાં આવડતુ નથી. બહારની વ્યક્તિ આવે તેની સાથે કેવી રીતે વર્તન કરવું શીખવાડ. મોટા નણંદ એમ પણ કહેતાં કે તારા માવતરના ઘરેથી તને કંઈ શિખવાડયું નથી, તું અમારા ઘરને લાયક નથી. તને કામવાળીની જેમ જ રાખવાની છે. આ રીતે અવાર-નવાર ત્રાસ આપતા હતા. પતિને કહ્યું કે બેંગ્લુરૂમાં મારુ કોઈ નથી તમે એકજ છો તો તેણે કહ્યું કે મારા બહેનો કહે તે રીતે રહેવું પડશે. ત્યાર પછી તેના બનેવી રૂપેશ જાનીને રાજકોટ બોલાવી તેડી જવાનું કહ્યું હતું. જેથી બનેવી તેડી ગયા હતા.
બે-ત્રણ મહિના રાજકોટ રોકાયા બાદ પતિ સમાધાન કરીને તેડી ગયા હતા. થોડા દિવસ બધુ વ્યવસ્થીત ચાલ્યા બાદ ફરીથી નણંદ અને પતિએ કામ બાબતે મેણાં મારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં નણંદ સંગીતાએ તેને તમાચો ઝીંકી દીધો હતો. પતિએ પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આખરે બેંગ્લુરૂથી રાજકોટ આવી ગઈ હતી. ગોંડલમાં તેના ભાઈ હિરેનના લગ્ન હતા. જયાં પતિ અને નણંદ પણ આવ્યા હતા. પતિએ તે વખતે જે વહેવાર કર્યો હતો તેના દોઢા પરત લઈ આવવાનું કહ્યું હતું. બાદમાં પતિ સાથે સમાધાન થતાં મોરબી ખાતે નણંદના ઘરે પતિ સાથે રોકાયા હતા.
જયાં નણંદનો વહેવાર સારો ન હતો. પતિ પણ ઝઘડા કરતો હતો. ત્યારબાદ પતિ સાથે નણંદના પુત્ર કરણના ઘરે અમદાવાદ રોકાયા હતા. જયાં પતિ અને નણંદે કહ્યું કે તારા ભાઈના લગ્નમાં જે વહેવાર કરેલ છે તેનો દોઢો વહેવાર તું કેમ ના લાવી. તેમ કહી ઝઘડો કર્યો હોત. આ પછી પતિ સાથે બેંગ્લુરૂ જતી રહી હતી. જયાં પતિએ ઝઘડાઓ કરી મારકૂટ શરૂ કરી હતી. તેના ભાઈની પત્નીને ડીલેવરી આવવાની હોવાથી તેના ભાઈએ કોલ કરતાં પતિએ ગોંડલ ખાતે મોકલી હતી. ત્યાર પછી તું આવતી નહીં, તારી હવે જરૂર નથી તેમ ,પતિએ કહી દીધું હતું. આજ સુધી પતિ કે તેના પરિવારજનોએ નહીં બોલાવતા આખરે ફરિયાદ નોંધાવી હતી.




