નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૨૯ માર્ચથી ૨૭ એપ્રિલ-૨૦૨૫ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા યોજાશે. દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો-શ્રધ્ધાળુઓ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પ્રાથમિક સુવિધી અને સુરક્ષા વ્યવસ્થાના સુચારુ આયોજન- સંચાલન માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં વિવિધ સમિતીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ જણાવ્યું કે, આપણા જિલ્લા માટે આ મહત્વની પરિક્રમા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને નદી પસાર કરી તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ ખાતે પરત આવી પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે. દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે. જેને સોચારુ રીતે પાર પાડવા કલેક્ટરશ્રીએ સૌને આગ્રહ પૂર્વક જણાવ્યું હતું. જેનો રિવ્યુ ગાંધીનગરથી સરકાર કરી રહી છે.
