વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે મ્યાનમારની મીલીટરી ગવર્નમેન્ટના વડા મીન ઔંગ લ્હેઈંગને ફોન કરી તેઓનાં દેશમાં થયેલી જાનમાલની ભારે મોટી ખુવારી અંગે દુઃખ વ્યક્ત કરતાં તેઓને આશ્વસ્ત કર્યા હતા. તેમજ પાડોશી દેશમાં થયેલી આ ભયંકર ખુવારી અંગે વડાપ્રધાને તમામ સહાયની ખાતરી ઉચ્ચારી હતી. તેઓએ લખ્યું આ વિનાશક ભૂકંપ અંગે અમોને ઘેરૂ દુઃખ થયું છે. અમે અમારા પાડોશી દેશ સાથોસાથ આ કટોકટીમાં ઊભા છીએ. મ્યાનમારને સહાય કરવા માટે ભારતે ‘ઓપરેશન બ્રહ્મ’ નીચે રાહત સાધનો, માનવીય સહાય જેવી કે દવાઓ, ખાદ્ય પદાર્થો અને તબીબોની ટીમો ભૂકંપ-ગ્રસ્ત વિસ્તારમાં રવાના કરી છે. 
શુક્રવારે બપોરે મ્યાનમારમાં ૭.૭ અંકની તીવ્રતાનો ભૂકંપ થયા બાદ ‘આફટર-શોક્સ’ પણ લાગ્યા હતા. જેથી મકાનો તૂટી પડતાં ૧૦૦૨ જેટલા નાગરિકોનાં મૃત્યુ થયા હતા. અસંખ્ય ઈજાગ્રસ્ત થયા હતા. મૃત્યુઆંક હજી પણ વધવાની શક્યતા છે. રાહત કર્મચારીઆને ખંડેરો તેમજ તેમાંથી પડેલા ચણતર કામના મોટા ટુકડાઓ નીચે ૨,૩૭૬ ઈજાગ્રસ્ત તથા ૧૦૦૨ શબ મળ્યાં છે. હજી પણ વધુ મૃતદેહો મળવાની આશંકા છે. શુક્રવારે થયેલા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ માંડલેથી થોડે દૂર જ હતું. તે પછી ઘણા આફટર શોક્સ લાગ્યા હતા જે પૈકી એક આફટર શોક તો ૬.૪ની તીવ્રતાનો હતો. આ ભૂકંપને પરિણામે અનેક મકાનો પડી ગયા હતા. માર્ગો ફાટી ગયા, પૂલો તૂટી પડયા હતા.
કેટલાક બંધો પણ ફાટી ગયા હતા. પાટનગર નઈપીડોમાં શુક્રવાર સાંજથી અને વિશેષતઃ શનિવારથી તો રાહત કાર્ય ઝપાટાબંધ શરૂ કરવામાં આવ્યું છે. દેશનાં અનેક શહેરોમાં ઈલેક્ટ્રિસીટી, ફોન, ઈન્ટરનેટ સર્વિસ બધા ડાઉન છે. બાજુનાં થાઈલેન્ડમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા. ૧ કરોડ ૭૦ લાખની વસ્તી ધરાવતા બેંગકોકમાં અને આસપાસનાં શહેરોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. શનિવારથી તો ભારે યંત્રો, ખંડેરો ખસેડવા માટે કામે લગાડાયા છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ભાગો (જે મ્યાનમારને સ્પર્શીને રહેલા છે ત્યાં વધુ નુકસાન થયું છે. ચીયાંગ માઈ શહેરમાં તો અનેક મકાનો, હોસ્પિટલ વગેરેને નુકસાન થયું છે પરંતુ મૃત્યુઆંક જાણી શકાયો નથી.



