વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી રહી છે. સીડીએસ અનિલ ચૌહાણ પણ હાજર છે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી કરતાં જાણીજોઈને સામાન્ય નાગરિકો અને હૉસ્પિટલોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. તો બીજી તરફ બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરતાં સિયાલકોટના લૂનીમાં આતંકવાદી લોન્ચ પેડને નષ્ટ કરી દીધા છે. આ સાથે જ પાકિસ્તાની આર્મીનો એક કેમ્પ પણ નષ્ટ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે.
તેમણે મુનીરને ભારત સાથે તણાવ ઓછો કરવા કહ્યું છે. આ પહેલા પાકિસ્તાનની સરહદે આવેલા જમ્મુ, ફિરોઝપુર, સિરસા સહિત ભારતના 26 શહેરોમાં વિસ્ફોટ થયાના અહેવાલો હતા.
આ સિવાય LoC અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિન્ડા સ્ટેશનના ઉપકરણને નુકસાન થયું છે. પાકિસ્તાને રાત્રિના 1:40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર હૉસ્પિટલ અને સ્કૂલ પરિસરને નિશાનો બનાવવામાં આવ્યો. પાકિસ્તાને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા નુકસાનને સુનિશ્ચિત કરાયું હતું. ચિંતાનો વિષય એ છે કે, પાકિસ્તાને લાહોરથી ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો. જેથી તેઓ પોતાની ગતિવિધિને સંતાડી શકે. પાકિસ્તાની ખોટી માહિતી દ્વારા આદમપુર સ્થિત S-400 પ્રણાલી, સુરતગઢ, નગરોટાના બ્રહ્મોસબેઝ, દહેરાગિરીના તોપખાના પોઝિશન અને ચંદીગઢના ફ્રન્ટ લાઇન વિસ્ફોટકોને નષ્ટ કરવાના ખોટા દાવા સોશિયલ મીડિયા પર ફેલાવ્યા. ભારત આ તમામ ખોટા દાવાઓનું ખંડન કરે છે.
