વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ દેશના નાગરિકોને અપીલ કરતા વિદેશી સામાન પર નિર્ભરતા ખતમ કરવાની અપીલ કરી છે. તેમણે નામ લીધા વિના અમેરિકા અને ચીનને સખત સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ફક્ત સૈન્યબળના ભરોસે નહીં પરંતુ તેમાં જનબળની ભાગીદારી હોવી પણ જરૂરી છે. વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અને અર્થવ્યવસ્થાને તાત્કાલિક ચોથા નંબરેથી ત્રીજા નંબર પર લઈ જવા માટે હવે આપણે કોઈ વિદેશી વસ્તુનો ઉપયોગ કરીશું નહીં.
આપણે ગામડે ગામડે વેપારીઓને શપથ લેવડાવવા પડશે કે વિદેશી સામાનમાંથી ગમે તેટલો નફો કેમ ન મળે, કોઈ પણ વિદેશી વસ્તુ વેચશે નહીં.
ઘરોમાં હેરપિન, ટુથપિક સુધી વિદેશી વસ્તુઓ ઘુસી ગઈ છે. દેશને બચાવવાનો છે, બનાવવાનો છે, આગળ વધારવાનો છે તો ઓપરેશન સિંદૂર ફક્ત સૈનિકોની જવાબદારી નથી, ઓપરેશન સિંદૂર 140 કરોડ નાગરિકોની પણ જવાબદારી છે. તેમણે કહ્યું કે તમારી પાસે જે વિદેશી સામાન છે, તેને ફેંકી દેવા માટે હું કહી રહ્યો નથી. પરંતુ ‘વોકલ ફોર લોકલ’ માટે તમે નવો વિદેશી સામાન નહીં ખરીદો. એક-બે ટકા જ એવી ચીજો છે જે તમારે બહારથી લેવી પડે જે આપણા દેશમાં ઉપલબ્ધ ન હોય, બાકીનો તમામ સામાન આજે હિન્દુસ્તાનમાં બની રહ્યો છે. આજે આપણે પોતાની બ્રાન્ડ મેડ ઇન ઇન્ડિયા પર ગર્વ હોવો જોઈએ. વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર સૈન્યબળથી નહીં પણ જનબળથી જીતવાનું છે અને જનબળ માતૃભૂમિમાં પેદા થયેલી દરેક વસ્તુમાંથી આવે છે, જેમાં આ માટીની સુગંધ હોય. આ દેશના નાગરિકના પરસેવાની સુગંધ હોય, એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. તેમણે કહ્યું કે આ આંદોલનને જન-જન સુધી લઈ જવાનું છે. આનાથી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પૂરું થશે.
