ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી લાગુ ત્રિભાષા ફોર્મ્યુલાનો તમિલનાડુમાં શરૂ થયેલો વિરોધ સતત વધી રહ્યો છે. આ મુદ્દે ડીએમકેના સાંસદોએ સોમવારે લોકસભા અને રાજ્યસભામાં વિરોધ નોંધાવ્યો અને એક નિવેદન માટે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની માફીની માંગ કરી છે. ડીએમકેના જણાવ્યા અનુસાર ત્રિ-ભાષા ફોર્મ્યુલા દ્વારા હિંદીને તમિલનાડુમાં થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે ખોટું છે. અમે તેનો સ્વીકાર કરીશું નહીં. આ દરમિયાન કોંગ્રેસે પણ ડીએમકેની ભાષા બોલવાની શરૃ કરી દીધી છે.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર તમિલનાડુમાં બે જ ભાષા પૂરતી છે. 
તમિલનાડુમાં હિંદી વિરુદ્ધ તમિલનો મુદ્દો ચર્ચામાં છે. ડીએમકેને લાગે છે કે આ મુદ્દાથી તે સરળતાથી આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી જીતી શકે છે. ભાષાનો મુદ્દો તમિલનાડુમાં સંવેદનશીલ વિષય છે. આ સ્થિતિમાં આ મુદ્દો ભાજપ માટે પણ ચિંતોનો વિષય બની ગયો છે. બીજી તરફ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું માનવું છે, કે ત્રિભાષા ફોર્મ્યુલા અંગે તમિલનાડુ તરફથી સંમતિ દર્શાવવામાં આવી હતી. આ જ કારણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ તમિલનાડુ સરકારનું વલણ બદલાઇ ગયું હતું. જો કે ડીએમકેએ જણાવ્યું છે કે તેની તરફથી કોઇ ખાતરી આપવામાં આવી ન હતી.



