ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તારીખ ૨૪થી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન, ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક પ્રથમ દિવસે ભેંસકાત્રીમાં શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભિનું સ્વાગત કર્યું હતું. ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો જેમાં પ્રથમ દિવસે ઇકો કેમ્પ સાઈટ મહાલ, તેમજ સુબીર ખાતે આવેલ શબરી ધામની મુલાકાત લીધી હતી. જ્યારે બીજા દિવસે વણીગઠ તેમજ સાપુતારા ખાતે સાંદીપની હાઇસ્કુલ, વન કવચ, લોગહટ તેમજ તોરણ હોટલમાં સાપુતારાના વિકાસકીય કામો અંગેની સમિક્ષા બેઠક યોજી હતી.
જેમાં સાપુતારાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા સાથે, સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માત નિવારણ માટેના પગલાંની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્રીજા દિવસે ડાંગ જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરીએ જાહેર હિસાબ સમિતિના તમામ સભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે બાદ આ સમિતિએ સાપુતારા સહિત અંબીકા નદી ઉપર આવેલ ગીરાધોધ, વઘઇ બાંમ્બુ હાટ, કિલાદ કેમ્પ સાઇટ વિગેરેની મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ જાહેર હિસાબ સમિતિની મુલાકાત વેળાએ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક તેમજ દક્ષિણના નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ રાધા ક્રિષ્ણને, જિલ્લાના પ્રવાસન સ્થળો અંગે સુક્ષ્મ જાણકારી આપી પ્રવાસન સ્થળોથી વાકેફ કર્યા હતા.




