15 વર્ષથી ફરાર નક્સલવાદી પ્રશાંત કાંબલે યુ ટયુબ પર એક શોર્ટ ફિલ્મમાં દેખાયા બાદ પુણે પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે આ શોર્ટ ફિલ્મ સાત વર્ષથી યુ ટયુબ પર હતી. પરંતુ કોઈ સલામતી એજન્સીને તેમાં પ્રશાંતે કામ કર્યું હોવાની જાણ જ થઈ ન હતી. બનાવની વિગત એવી છે કે, ૧૦ માર્ચ ૨૦૧૮ના રોજ પોસ્ટ કરાયેલા ઉલ્ગુલન-એવરીડે હીરો નામની શોર્ટ ફિલ્મમાં નકસલવાદી પ્રશાંત દેખાયો હતો. આ ત્રણ મિનિટની શોર્ટ ફિલ્મમાં તેનું નામ સુનીલ જગતાપ સર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તેને ફિલ્મમાં ખાલાપુરમાં આદિવાસી બાળકો માટે શૈક્ષણિક કાર્ય કરતા દર્શાવવામાં આવ્યો હતો.
આ શોર્ટ ફિલ્મમાં તે પોતાના કામ વિશે સમજાવતો જોવા મળ્યો હતો. સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમની પ્રશંસા કરતા બતાવવામાં આવ્યા હતા. હવે મોડે મોડે આ શોર્ટ ફિલ્મ એજન્સીના અધિકારીના ધ્યાનમાં આવતા જ ૪ મેના રોજ પુણેના ખાલાપુરથી મહારાષ્ટ્રના એન્ટી ટેરરિઝમ સ્કવોડ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા ખુલાસો થયો હતો કે ખાલાપુરમાં સુનિલ જગતાપ નામથી તેણે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાન કાર્ડ અને પાસપોર્ટ પણ મેળવ્યા હતા. આ બાદ તેને મુંબઈ સેશન્સ કોર્ટમાં હાજર કરતા પ્રશાંતે કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે ૨૦૨૧માં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો અને નેપાળ સહિત ભારતના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કર્યો હતો.
જોકે પોલીસે જણાવ્યું હતું કે, તે નકસલવાદી સંગઠનના ટોચના નેતા મિલિંદ તેલતુંબડેના આદેશ પર તે સમયાંતરે જંગલો અને શહેરી વિસ્તારોમાં રેકી કરતો હતો અને નકસલવાદી સંગઠન માટે કામ પણ કરતો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે નકસલવાદી પ્રશાંત ખાલાપુરમાં નકલી નામ સાથે રહેતો હતો. ખોટા નામો સાથે કામ કરવું એ નકસલવાદીઓની મોડસ ઓપરેન્ડી છે. પ્રશાંત કાંબલે એક કટ્ટર નકસલવાદી છે. તેણે સરકારી યોજના હેઠળ શરણાગતિ સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો હતો અને ગઢચિરોલી, કોરચી કુરખેડા, દાલમના જંગલો અને શહેરી વિસ્તારોમાં તે નકસલવાદી ગતિવિધીઓમાં સક્રિય હતો. આ તમામ નિવેદનો બાદ કોર્ટે તેને ૧૯ મે સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે હાલ આ મામલે તપાસ કરી રહી છે કે શું પ્રશાંત નકસલવાદી યોજના મુજબ પશ્ચિમ ઘાટમાં પોતાનું કાર્ય વિસ્તારમાં માટે ખોટા નામથી ખાલાપુર વિસ્તારમાં જાણી જોઈને રહેતો હતો કે શું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
