રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધ્યો છે. સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડામાં 2.68 ઇંચ, કપરાડામાં 2.40 ઇંચ, ઉમરપાડામાં 2.24 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ, જાંબુઘોડામાં 1.77 ઇંચ, વઘઈમાં 1.77 ઇંચ અને વાલિયામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓએ યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આગામી તારીખ 16મીથી 18મી જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે.



