વલસાડનાં શાકભાજી માર્કેટમાં લારી પરથી દ્રાક્ષ ખરીદવા ગયેલા સીનીયર સીટીઝન મહિલા બિંદુબેન છોટાલાલ પંચાલને મહિલાએ વાતોમાં ઉલઝાવી દીધા બાદ તેમની નજર ચૂકવીને દોઢ તોલાની સોનાની ચેઈન તફડાવી હતી. આ ઘટનામાં વલસાડ સીટી પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સનાં પી.એસ.આઈ. અને તેમની ટીમે ઘટના સ્થળને સાંકળતા ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા જોતા બે અજાણી મહિલા તેમજ બીજા ત્રણ પુરૂષો ચેઈન ચોરી કરી મારૂતી અટીંગા કારમાં જતા જણાયા હતા. તેથી પોલીસે તપાસ આદરીને વલસાડના કાશ્મીરનગર પુલ પાસે કારને રોકી હતી.
ત્યારબાદ આરોપીઓ ડેનિશ અલ્પેશ સાવલીયા, નિકીતા અલ્પેશ સાવલીયા, વૈશાલી અલ્પેશ સાવલીયા (ત્રણેય રહે. ગોવિંદપરા શેરી નંબર ૧, વિશ્વાસ મકાનની સામે, લક્ષ્મીવાડી, મેઈનરોડ, રાજકોટ) અને દેવેન દિલીપ કાચા (રહે.સહજાનંદ બંગલો, કાલાવડ રોડ, રાજકોટ) તથા અજય ડાહ્યા રૈયાણી (રહે.માર્કેટયાર્ડ, આર.ટી.ઓ. પાછળ, શ્રીરામ સોસાયટી, રાજકોટ)ને સોનાની ચેઈન, ગુનાના કામે ઉપયોગમાં લીધેલી અર્ટીગા કાર અને કટર તથા ૫ નંગ મોબાઇલ ફોન સાથે આબાદ ઝડપી પાડયા હતાં. જોકે પકડાયેલ આરોપીઓ રીઢા છે. આરોપી નિકીતા સાવલીયા સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ સીટી એમાં તથા રાજકોટ ગ્રામ્ય લોધીકા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમો હેઠળ ગુન્હા નોંધાયા હતાં. રાજકોટ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં, ગીર-સોમનાથ ઉના પોલીસ સ્ટેશનમાં એક-એક, સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બે મલી ચોરીના કુલ ૦૪ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. નિકીતાની પુત્રી વૈશાલી સાવલીયા સામે સુરતના ખટોદરા તથા ગીર સોમનાથ ઉના પોલીસ સ્ટેશનમાં ચોરીના એક-એક ગુન્હા નોંધાયા છે.
જયારે વધુમાં પકડાયેલ આરોપીઓ એક પરિવાર જ છે તેમજ આ ચોરી તેઓનો ફેમીલી બિઝનેશ જેવો છે. આરોપી નિકીતા સાવલીયા મુખ્ય આરોપી છે. વૈશાલી તેની પુત્રી અને ડેનિશ તેમનો પુત્ર છે. અન્ય આરોપીઓમાં દેવેન કાચાએ વૈશાલીને ફિયાન્સે છે તો અજય રૈયાણીએ નિકીતાનો ફિયાન્સ છે. આ આરોપીઓ મુંબઇ ખાતે મોજમજા કરવા ગયાં હતાં. ત્યાંથી પરત ફરતી વેળા નાણાં ખૂંટી પડતા વલસાડમાં કસબ અજમાવવા ગયાં અને પોલીસના હાથે પકડાઇ ગયાં હતા. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી છે કે, મોટી ઉંમરની એકલી મહિલાને ટાર્ગેટ કરી તેની આજુબાજુ હાજર રહીને વાતોમાં ઉલઝાવી રાખી નજર ચૂકવીને કટર જેવા સાધનથી ગળાની ચેઇન તોડી લે છે.
