સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં કાજલ અગ્રવાલની એન્ટ્રી થઇ ગઇ હોવાનો રિપોર્ટ છે. રશ્મિકા મંદાના આ ફિલ્મની મુખ્ય હિરોઈન છે. જોકે આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ ક્યા પાત્રમાં જોવા મળવાની છે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જોકે, કેટલાક દાવા અનુસાર કાજલ આ ફિલ્મમાં કેમિયો કરવાની નથી પરંતુ તેનો ઘણો લાંબો રોલ હશે. કાજલ ટૂંક સમયમાં ફિલ્મના યુનિટ સાથે જોડાય તેવી સંભાવના છે. કાજલ અગાઉ ‘સિંઘમ’ તથા ‘સ્પેશ્યલ ૨૬’ જેવી હિંદી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. મોટાભાગે તે સાઉથની ફિલ્મો કરે છે. ફિલ્મના અન્ય કલાકારોમાં પ્રતીક અને સત્યરાજનો સમાવેશ થાય છે. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. સલમાન ખાનને પાંસળીમાં ઈજા છતાં પણ તે શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના અનેક દ્રશ્યોનું શૂટિંગ યુરોપમાં થવાનું છે. ‘ગઝની’ના સર્જક એ.આર.મુરગાદોસ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.




