નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર પોસ્ટગ્રેજ્યુએશન (NEET PG) 2025ને લઈને આજથી નોટિફિકેશન બહાર પાડશે. આમ આજથી NEET PG 2025ની પરીક્ષા માટેની રજીસ્ટ્રેશન શરૂ થશે. આજે બુધવારે NBEMSની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર એક નોટિસ બહાર પાડવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, NEET PG 2025ની સૂચના 17 એપ્રિલે બપોરે 3 વાગ્યે બહાર પાડવામાં આવશે.
આ સાથે નોંધણી વિન્ડો પણ ખુલશે. તમને જણાવી દઈએ કે, NEET PG 2025 માટે રજીસ્ટ્રેશ શરૂ થયાની સાથે આગામી તારીખ 7 મે સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે.
NBEMSએ ઉમેદવારોને જણાવ્યું હતું કે, NEET PG 2025ની પરીક્ષાને લઈને અપડેટ રહેવા માટે સત્તાવાર વેબસાઈટ ચકાસવી અને રજીસ્ટ્રેશન કરતી વખતે સૂચના અચૂક વાંચવી. CBT મોડમાં બે શિફ્ટમાં પરીક્ષા યોજાશે. દર વર્ષે 2 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપતા હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષથી NEET PG પરીક્ષા બે શિફ્ટમાં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં આ પરીક્ષા ફક્ત એક જ શિફ્ટમાં લેવામાં આવતી હતી. જોકે NBEMS એ શિફ્ટમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે નોર્મલાઇઝેશન પદ્ધતિ અપનાવી હતી, પરંતુ આ પગલાથી વ્યાપક ચર્ચા અને વિવાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે.
