સુરત-અડાજણમાં સગીરાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેસની સજા તથા 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારને ત્રણ સંતાન છે. જેમાં 12 વર્ષની સૌથી નાની દીકરી આરોપી 22 વર્ષીય રાહુલ ઉર્ફે પાલીસ દિપક ચૌહાણ (મુળ રહે. ગામ કાપનડનેતા.જી.ધુલિયા, મહારાષ્ટ્ર)એ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી, સગીરા વર્ષ 2024માં નવરાત્રિના ચોથા નોરતામાં ઘરે એકલી હતી. દરમિયાન રાહુલ ઉર્ફે પાલીસ ચૌહાણે સગીરાને કામ હોવાનું કહી પોતાના ઘરે બોલાવી હતી. અને બાદમાં તેણી સાથે દુષ્કર્મ કર્યું હતું. અને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવું જણાવ્યું હતું. 20 દિવસ બાદ બપોરના દોઢ વાગ્યે કોઈ હાજર ન હતું. અને સગીરા ઘરે એકલી હતી. દરમિયાન આરોપી રાહુલે વધુ એક વાર પોતાના ઘરે બોલાવી હતી.
જોકે સગીરાએ તેના ઘરે જવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં રાહુલે તેણીને ધમકી આપી હતી કે તુ ના પાડે તો આગળની વાત ઘરે આવીને હું બધાને કહી દઈશ. તેવી ધમકી આપ્યા બાદ સગીરાને વધુ એક વાર ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મના બનાવ અંગે પીડિતાની માતાએ અડાજણમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી રાહુલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.
અને સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતાં આ કેસ દશમાં અધિક સત્ર ન્યાયાધીશ અને સ્પે.પોક્સો જજની કોર્ટમાં ઈન્સાફી કાર્યવાહી હેઠળ હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે સરકારી વકીલ એ.પી.પી. ડી.વી.દવેએ મહત્તમ સજાની માંગ કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે પુરાવા આધારે આરોપી રાહુલ ઉર્ફે પાલીસ ચૌહાણને તકસીરવાર ઠેરવ્યો હતો. અને 20 વર્ષની સખત કેસની સજા તથા 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.



