અમદાવાદ શહેરનાં અનિલ સ્ટાર્ચ મીલ રોડ હીરાવાડીમાં રહેતા એક યુવકે તેની જ ચાલીમાં રહેતી એક 14 વર્ષની સગીરા સાથે સોશિયલ મિડીયા દ્વારા મિત્રતા કેળવીને તેને પ્રેમજાળમાં ફસાવીને તેને ધમકી આપી હતી કે જો રાતના સમયે મળવા નહી આવે તો તે સોશિયલ મિડીયામાં ફોટો વાયરલ કરી દેશે. બાદમાં સગીરા ગભરાઇને યુવકને મળવા માટે ગઇ હતી. જ્યાં યુવકે તેને બપોરના 12 વાગ્યા સુધી ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, શહેરના હીરાવાડી અનિલ સ્ટાર્ચ મીલ રોડ પર આવેલી એક ચાલીમાં રહેતા પરિવારના સભ્યો ગત રાત્રીએ અગાશી પર સુતા હતા ત્યારે રાતના ત્રણ વાગે માતા જાગી ત્યારે જોયુ તો તેમની 14 વર્ષની પુત્રી ત્યાં હાજર નહોતી. જેથી મહિલાએ તેના પતિ અને અન્ય પરિવારજનોને જગાડયા હતા. તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ, સવારે 11 વાગ્યા સુધી કોઇ ભાળ મળી નહોતી. 
બીજી તરફ મહિલાએ તેમના દિયરની પુત્રીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની જ ચાલીમાં રહેતો જય ઠાકોર નામનો 22 વર્ષનો યુવક સગીરાના સંપર્કમાં હતો. જેથી પરિવારના સભ્યોએ જયના ઘરમાં જઇને તપાસ કરી ત્યારે સગીરા ગભરાઇ ગયેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ તેને વિશ્વાસમાં લઇને પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે જય ઠાકોરે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પરથી ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલીને તેની સાથે પ્રેમની વાત કરીને ભોળવીને વિશ્વાસમાં લીધી હતી. તે ટયુશન ક્લાસ સુધી પીછો કરતો હતો. આ દરમિયાન તેણે બંનેના ફોટો પાડયા હતા. તેણે સગીરાને ધમકી આપી હતી કે રાતના બધા જ સુઇ જાય પછી ઘરે આવજે અને જો નહી આવે તો ફોટો વાયરલ કરીને બદનામ કરશે. જેથી સગીરા ડરીને જયના ઘરે પહોંચી ત્યારે તેણે તેની સાથે ચાર વાર દુષ્કર્મ કર્યુ હતું અને ધમકી આપી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે જય ઠાકોર વિરૂદ્ધ પોક્સો, દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



