સુરત જીલ્લામાંથી ફરી એકવાર લાંચિયાઓ એસીબીના હાથે ઝડપાયા છે, એસીબી દ્વારા ભ્રષ્ટ અધિકારી/કર્મચારીઓ સામે સતત કાર્યવાહી છતાં આ લાંચિયાઓ સુધરવાનું નામ નથી લેતા. કઠોર સબ ડિવીઝન, DGVCLનો સિનિયર ક્લાર્ક અને લેબર કોન્ટ્રાક્ટર ૭૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.
વિગતો અનુસાર ફરીયાદીએ પોતાની માલિકીની જમીનમાં કોમર્શીયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે દ.ગુ.વીજ કંપની લિ. કઠોર સબ ડિવીઝનની કચેરી ખાતે અરજી કરી હતી.જે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે (૧) સંતોષભાઇ ભગવાનભાઇ સોનવણે હોદ્દો.સિનિયર ક્લાર્ક,કઠોર સબ ડિવીઝન, દ.ગુ.વીજ. કંપની, કઠોર, સુરત નાએ ફરિયાદી પાસે રૂ.૭૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી.જોકે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
ફરીયાદ આધારે તા.૦૩/૧૨/૨૦૨૫ નારોજ કામરેજ ટોલનાકાની બાજુમાં આવેલ સ્વાગત નર્સરીની આસપાસ લાંચના છટકાનુ આયોજન કર્યું હતું.લાંચના છટકા દરમ્યાન સિનિયર ક્લાર્ક સંતોષભાઇ સોનવણેએ લેબર કોન્ટ્રાક્ટર ભરતભાઇ રમણીકભાઇ સાવલીયાને લાંચની રકમ લેવા મોકલ્યો હતો દરમિયાન લાંચની રકમ સ્વીકારતા બંન્ને આરોપીઓને સુરત ગ્રામ્ય એ.સી.બીએ ઝડપી પાડ્યા હતો.



