
મળતી વિગતો પ્રમાણે શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી.સુરતના ભાગળ ખાતે ટાવર રોડ, મહિધરપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા કોમર્સ હાઉસની બિલ્ડિંગમાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો વેચાઇ રહી છે. જેથી પોલીસે અહીં દરોડા પાડયા હતા. ટાઇટન કંપનીના લીગલ એડવાઈઝરને સાથે રાખી પોલીસે પાડેલી રેઇડમાં દુકાનમાં વેચાણ માટે ડિસ્પ્લેમાં મુકાયેલી ટાઇટન કંપનીની ફાસ્ટટ્રેક બ્રાન્ડની ૮૭૫ ઘડિયાળો મળી આવી હતી.
પોલીસે રૂપિયા ૩.૯૩ લાખની ઘડિયાળો કબજે લીધી હતી અને દુકાનદાર જતીન હરીશ ચોપરા (ઉ.વ. ૨૨, રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાલનપુર પાટિયા)ને ઝડપી પાડયો હતો.આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટ અન્વયે વિધિવત્ ગુનો પણ નોંધાવાયો હતો. જતીન ચોપરા મુંબઈથી ઘડિયાળ લાવી અહીં વેચાણ કરતો હતો. સુરતમાં અન્ય જગ્યાઓ પર પણ આવી જ રીતે બ્રાન્ડેડ કંપનીના નામે ઘડિયાળોનું વેચાણ થતુ હશે તેવી પોલીસને આશંકા છે અને લોકો સાથે છેતરપિંડી પણ થતી હશે ત્યારે આ મામલે પોલીસ હજી પણ અન્ય વેપારીઓની દુકાનમાં તપાસ કરીને ગુનો નોંધી શકે છે.



