બિહારના સિવાન જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવાને સાત લોકોનાં મોત થયા છે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (ડીએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. વરસાદ અને કરાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને અનેક વૃક્ષો ધરાશયી થયા છે. નિવેદન અનુસાર સિવાન જિલ્લાના બરહારિયા, બસંતપુર, લકરી નબીગંજ અને ગૌરેયા કોઠી વિસ્તારમાં ભારે વરસદા ઇને કરા પડયા હતાં જેના કારણે સાત લોકોનાં મોત થયા છે. ડીએમડીએ જિલ્લા વહીવટી તંત્રને મૃતકોના પરિવારજનોને નિયમ અનુસાર તાત્કાલિક વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આસામમાં ભીષણ પૂરે વધુ આઠ લોકોનો ભોગ લીધો છે.
બીજી તરફ મિઝોરમમાં છેલ્લા દસ દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે આવેલા ભૂસ્ખલન, મકાનો તૂટવા અને વરસાદ આધારિત અન્ય ઘટનાઓને કારણે પાંચ લોકોનાં મોત થયા છે તેમ રાજ્યના ડિઝારસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે. 
સિક્કિમના ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તાર ચાતેનમાંથી ૨૭ પ્રવાસીઓ અને સેનાના જવાનના પરિવાર સાત સભ્યો સહિત ૩૪ લોકોને એરલિફ્ટ કરી બચાવવામાં આવ્યા હતાં. એમઆઇ-૧૭ વી-પ હેલિકોપ્ટરોની મદદથી આ લોકોને બચાવવામાં આવ્યા હતાં. મણિપુરમાં પૂરની સ્થિતિ વધુ ભયનાક બની રહી છે. પૂરથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧.૬૪ લાખ થઇ ગઇ છે. રાજ્યની અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરને કારણે ૩૫,૧૪૩ મકાનોને નુકસાન થયું છે. ૮૨.૭૯ હેકટર ખેતીના પાકને નુકસાન થયું છે. ૩૯૧૭ લોકોને બચાવવામાં આવ્યા છે અને ૭૭ રિલીફ કેમ્પની રચના કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં વાતાવરણમાં ફેરફાર થયો છે અને ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે. ઉત્તરાખંડના ચાર ધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ તથા હેમકુંડ સાહિબમાં બરફ વર્ષા થઇ છે. ઉત્તરકાશી, ચમોલી, ટિહરી, પૌડી, બાગેશ્વર, પિથોરાગઢ, નૈનીતાલ, દેહરાદૂન અલ્મોડ અને ઉધમ સિંહ નગરમાં પણ વરસાદ પડયો હતો.



