કેદારનાથની પાસે ઓછી દ્રશ્યતાની વચ્ચે એક હેલિકોપ્ટર તૂટી પડતા સાત લોકોનાં મોત થયા છે. રૂદ્રપ્રયાગના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવરે જણાવ્યું હતું કે, આ અકસ્માત ગૌરીકુંડના જંગલની ઉપર સર્જાયો હતો. મૃતકોમાં પાંચ શ્રદ્ધાળુઓ, એક પાયલોટ તથા બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના એક કર્મચારીનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટરે સવારે ૫.૧૦ વાગ્યે ગુપ્તકાશીથી ઉડવાનું શરૂ કર્યુ હતું અને થોડાક જ સમયમાં આ હેલિકોપ્ટર તૂટી પડયું હતું. ગૌરીકુંડથી પાંચ કિમી ઉપર અકસ્માત સર્જાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું અને આ હેલિકોપ્ટર કેદારઘાટીમાં ગૌરીકુંડ અને ત્રિજુગિનારાયણની વચ્ચે તૂટી પડયું હતું અને તેમાં આગ લાગી ગઇ હતી.
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ એક્સ પર જણાવ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. આ અગાઉ ૮ મેના રોજ ગંગોત્રી ધામ જતું હેલિકોપ્ટર ઉત્તરકાશી જિલ્લામાં તૂટી પડયું હતું જેમાં છ લોકોનાં મોત થયા હતાં. ધામીએ તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
