ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સમગ્ર ગુજરાત રાજયની આદિજાતિ પ્રજાના સામાજીક અને આર્થિક કલ્યાણ માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ૯ જીલ્લામાં પ્રાયોજના કચેરીઓ કાર્યરત હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ વસ્તી ૬ કરોડથી વધુ વસ્તી છે. જેમાં આદિજાતિની સંખ્યા ૮૯ લાખની છે. આમ અંદાજે ૩૯ વર્ષમાં આદિજાતિની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયેલ છે. કુલ વસ્તીના લગભગ ૧૪.૭૫ ટકા વસ્તી આદિજાતિની થાય છે. અને હાલમાં ગુજરાતના કુલ ૩૩ જીલ્લઓ પૈકી ૧૪ જીલ્લામા પ્રાયોજના કચેરીઓ કાર્યરત છે.
જેમાં પાલનપુર, ખેડબ્રહમા, મોડાસા, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર,રાજપીપળા,ભરૂચ, માંડવી, સોનગઢ, વાંસદા, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે. આ જીલ્લાઓમાં પ્રાયોજના વહીવટદાશ્રી મારફતે કોર્પોરેશનની કામગીરી કરવામાં આવે છે. યુવાધન આગળ વધી સમાજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકાના ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સાદડપાણી ગામના શંકરભાઈ વસાવા જેમણે આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાંથી ૨ લાખની લોન લઈ પોતાનો રાઈસ મિલનો ધંધો શરૂ કરતાં જણાવે છે કે, મારા પરિવારમાં ૫ સભ્ય છે પહેલા ખેતીકામ કરતા હતા તેનાથી પરિવારનું ગુજરાન ચાલતું ન હતું. એક દિવસ મારા મિત્ર દ્વારા જાણવા મળ્યુ કે, રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ધંધા માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે ધંધા માટે લોન લઈ લો તમારા પરિવારનું ભરણપોષણ અને આજીવિકા માટે સારૂ રહશે. ત્યાર બાદ આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં ૨ લાખની લોન માટે ટ્રાયબલ સબ પ્લાન કચેરીએ અરજી કરી અને ૨ લાખની લોન મંજૂર થઈ હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, લોનની રકમ મળ્યા બાદ રાઈસ મિલ માટેના સાધનો ખરીદીને રાઈસમિલનો ધંધો ચાલુ કર્યો અને તેમાંથી સારી એવી આવક મેળવીને પરિવારનું ભરણપોષણ સાથે બાળકોના ભણવાના ખર્ચમાં પણ રાહત થઈ છે તેથી હું ટ્રાયબલ સબ પ્લાન માંડવી અને ગુજરાત સરકારનો આભારમાનું છે. શંકરભાઈ વસાવા કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. રૂ ૨ લાખની લોન ભરપાઈ થઈ જતાં તેમને હવે વધુ નાણાકીય મોકળાશ મળી છે જેથી તેઓ પરિવારની સુખાકારી પ્રત્યે વધારે ધ્યાન આપતા થયા છે. શંકરભાઈએ શરુ કરેલી રાઇસ મીલના ધંધામાંથી વર્ષે ૧.૫૦ થી ૨ લાખ સુધીની આવક મેળવી લે છે. સાદડાપાણી ગામના શંકરભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.




