મહારાષ્ટનાં વિદર્ભમાં ચંદ્રપુરનાં જંગલ વિસ્તારમાં છેલ્લા છ દિવસમાં વાઘનાં હુમલામાં છ મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. ગાઢ જંગલમાં તેંદુપત્તા વિણવા ગયેલી આ મહિલાઓ વાઘનો શિકાર બની હતી. અગાઉ ત્રણ મહિલાના મોત બાદ એક વાઘણને પકડી લેવામાં આવી હતી. તે પછી પણ હુમલાઓનો સિલસિલો ચાલુ જ છે. ચંદ્રપુર જિલ્લાના તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વના બફર ઝોનમાં કચરાબાઇ અરૂણ ભરડે (ઉ.વ.૫૪) નામની મહિલા તેંદુપત્તા વીણતી હતી. ત્યારે ઝાડીમાંથી વાઘ તેની ઉપર ત્રાટક્યો હતો અને જોતજોતામાં તેનો દેહ ક્ષતવિક્ષત કરી નાંખ્યો હતો.
મૃત મહિલાનાં દીકરા અને અન્ય ગ્રામજનોમાં આ ઘટનાને લીધે રોષ વ્યાપ્યો હતો અને એમણે માંગણી કરી હતી કે, ટાઇગર રિઝર્વ ફરતે ફેન્સ બાંધવાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. ત્યાર પછી ફોરેન્ટ ઓફિસરો અને પોલીસે ગ્રામજનોને શાંત પાડયા હતા અને વાઘ સામે રક્ષણ પૂરૃં પાડવાની ખાતરી આપી હતી. મૃતકના પરિવારને ૫૦ હજાર રૃપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.
બાકીની રકમ કેસના કાગળિયા તૈયાર થયા પછી આપવામાં આવશે. ચંદ્રપુર જિલ્લામાં આ સપ્તાહની શરૃઆતમાં સાસુ અને પુત્રવધુ તેંદુપત્તા ભેગા કરવા ગઇ હતી ત્યારે વાઘનો શિકાર બની હતી. ત્યાર પછી બે મહિલાને વાઘે મારી નાખી હતી. જ્યારે ગઇ કાલે છઠ્ઠી મહિલા વાઘનો શિકાર બની હતી. સિનિયર ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યુ હતું કે, વાઘના હુમલા ખાળવા માટે અમે ૪૫૦ વનરક્ષકો તૈનાત કર્યા છે. આમ છતાં ગ્રામજનો સાવધ રહેવાની અને જંગલમાં ઉંડે સુધી નહીં જવાની અમારી ચેતવણી ગણકારતા નથી. આને કારણે વાઘના હુમલાનો ભોગ બને છે.
