વડોદરાનાં ફતેગંજ વિસ્તારમાં સદર બજાર બ્રિજ નીચે એમ.ડી. ડ્રગ્સનો ૧૨.૪૦ લાખનું એમ.ડી. ડ્રગ્સ લઇને ઉભેલ બે આરોપીઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા હતા. આરોપીઓ ત્રણ મહિનાથી મુંબઇથી ડ્રગ્સ લાવીને વડોદરામાં વેચતા હોવાની વિગતો સપાટી પર આવી છે. એસ.ઓ.જી. પોલીસને માહિતી મળી હતી કે, ફતેગંજ સદર બજારમાં રહેતો જીતેન્દ્ર અમૃતલાલ પરમાર તથા તેનો મિત્ર અસલમમીંયા રસુલમીંયા સૈયદ માદક પદાર્થનો જથ્થો લઇને ફતેગંજ સદર બજાર બ્રિજ નીચે કાર લઇને પાર્કિંગમાં બેઠા છે.
જેથી પી.આઇ.ની સૂચના મુજબ, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇ રેડ કરતા અસલમ (રહે.ભોખર ગામ,ઉગામવાડીવાસ,મોતી મસ્જીદ પાછળ,ઉંઝા,જિ.મહેસાણા) અને જીતેન્દ્ર (રહે.મોદી ડેરીની ઉપર, સદર બજાર, ફતેગંજ મૂળ રહે.ખોખરવાડો,ખેરાલુ, જિ.મહેસાણા) મળી આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સ ૧૨૪.૦૯ ગ્રામ કિંમત રૂપિયા ૧૨.૪૦ લાખનું કબ્જે કર્યુ હતું. પોલીસે ડ્રગ્સ, બે મોબાઇલ ફોન, ડિઝિટલ વજન કાંટો તથા રોકડા ૧,૮૫૦ મળી કુલ રૃપિયા ૧૫.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અસલમ સામે અગાઉ કડી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના નોંધાયા છે.
જ્યારે જીતેન્દ્ર સામે કડીમાં જુગાર, વલસાડમાં ચોરી તથા અમદાવાદમાં જુગારના કેસ નોંધાયા છે. તેની સામે અલગ-અલગ સ્થળે મળીને કુલ ૨૫ ગુનાઓ દાખલ થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, બંને આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવ્યા હતા. તેમજ ફતેગંજ બ્રિજ નીચે કાર પાર્ક કરીને બેઠા હતા. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી આ ધંધામાં સંકળાયેલા છે. તેમજ સીધા ગ્રાહકોના સંપર્કમાં છે. તેઓ કેટલા લોકોને ડ્રગ્સ આપતા હતા તેમજ મુંબઇમાં કોની પાસેથી લાવતા હતા. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




