સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે. નવી સિવિલના કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ ઉત્તરપ્રદેશના વતની મુખના કેન્સરથી પીડિત ૪૪ વર્ષીય દર્દીની મોં ની ૬ કલાકની જટિલ સફળ પ્લાસ્ટિક સર્જરી કરી તદ્દન બંધ થઈ ગયેલા મોં ને ફરી ખૂલતું કર્યું છે. સિવિલના પ્લાસ્ટિક સર્જન ડૉ. નિશા કાલરાએ જણાવ્યું કે, ગત એપ્રિલ માસથી મોં’ના કેન્સરથી પીડાતા ઉત્તરપ્રદેશના ૪૪ વર્ષીય દર્દી સિવિલના લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરમાં રેડિયેશન લઈ રહ્યા હતા. કેન્સરના કારણે મોઢું ખૂલતું તદ્દન બંધ થઈ ગયું હતું. જેથી તેઓ માત્ર પ્રવાહી ડાયેટ લઈ શકતા હતા.
તેમજ કેન્સર મોંઢાથી જડબા સુધી પ્રસરી ગયું હોવાથી સર્જરીની શક્યતા ન જણાતા કેટલાક તબીબોએ સર્જરીની ના પાડી દીધી હતી. ડૉ. નિશા કાલરાએ વધુમાં કહ્યું કે, સિવિલમાં જ કામ કરતાં દર્દીના સગાએ નવી સિવિલમાં થતાં કેન્સર તેમજ પ્લાસ્ટિક સર્જરીના જટિલ ઓપરેશન વિષે દર્દીને જાણ કરી હતી. જેથી તેઓ સારવાર અર્થે સિવિલમાં ચેક અપ માટે આવ્યા હતા. કેન્સર વિભાગના ઓન્કો સર્જન ડૉ.સોહમ પટેલ અને તેમની ટીમ તેમજ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાંથી મેં અને મારી ટીમે તેમના કેસને યોગ્ય રીતે સમજી તા.૨૯ જુલાઈએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સતત ૬ કલાકની જટિલ સર્જરી દ્વારા ડૉ. સોહમ અને ટીમે દર્દીના ગાલ, જડબા અને ગળા સુધી પ્રસરેલી કેન્સરની ગાંઠને દૂર કરી હતી.
ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી માટે મેં અને મારી ટીમે તેમના પગમાંથી જાડી ચામડીને ધમની રક્તવાહિનીઓ મોઢાના ભાગે પુન: પ્રસ્થાપિત કરી હતી. ઓપરેશન બાદ ૨ દિવસ આઇ.સી.યુ અને પાંચ દિવસ જનરલ વોર્ડમાં સારવાર આપ્યા બાદ દર્દીનું મોઢું દોઢ આંગળી જેટલું ખૂલતું થયું હતું. જેથી તેઓ પ્રવાહીની જગ્યાએ ઢીલો ખોરાક ખાતા થયા હતા. ઓપરેશન બાદ દર્દીનો રિપોર્ટ કરાવતા તેઓ કેન્સર ફ્રી જણાયાં હતા. જેથી સફળ સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ તેઓ માત્ર રેડિયેશન લઈ રહ્યા છે, અને ખોરાક લેવાતો હોવાથી સ્વસ્થ અનુભવે છે. આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા આ દર્દીનું પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧.૫૦ લાખના ખર્ચે થનારૂ ઓપરેશન નવી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક થતાં તેઓ આર્થિક ચિંતામાંથી મુક્ત થયા હતા. અને સ્વસ્થ નવજીવનની આશા અને આભારની લાગણી સાથે ઘરે પહોંચ્યા હતા. નવી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશનને સફળ બનાવવામાં એનેસ્થેટિસ્ટ ડૉ.નિતા કવિશ્વર, આસિ. ડૉ.સમર્થ જૈન અને નસિંગ સ્ટાફ સહિતની કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની સમગ્ર ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું.




