અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACB એ લાલ આંખ કરી છે. અસારવા બહુમાળી ભવન સ્થિત સબ-રજીસ્ટ્રાર નરોડા-૬ ની કચેરીમાં દસ્તાવેજની કામગીરીમાં રૂ. ૨,૫૦,૦૦૦/- ની લાંચ લેતા સબ-રજીસ્ટ્રાર સહિત ચાર શખ્સોને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.
એક જાગૃત નાગરિકને તેમના રહેણાક મકાનનો દસ્તાવેજ કરવાનો હતો. આ કામગીરીમાં સબ-રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઇ દેસાઇ દ્વારા અગાઉ ક્ષતિ કાઢવામાં આવી હતી. ત્યારબાદ કચેરીના સિક્કા ઓપરેટર જય બળદેવભાઇ આદીવાસી એ ફરિયાદીને વોટ્સએપ કોલ કરીને લાલચ આપી હતી કે, “કલેક્ટર કચેરીથી કલમ-૭૩(એએ)નું સર્ટિફિકેટ લાવવાની જરૂર નથી, તમારું કામ થઈ જશે.” આ કામ પેટે ટોકન અનલોક કરવા માટે સર્ચ ઓપરેટર રાહીલ શૈખ એ અગાઉ તેના મિત્રના QR કોડ દ્વારા ઓનલાઇન રૂ. ૩૫,૦૦૦/- મેળવી લીધા હતા. ત્યારબાદ મુખ્ય દસ્તાવેજની મંજૂરી માટે સબ-રજીસ્ટ્રાર વતી અન્ય આરોપીઓએ કુલ રૂ. ૨,૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
મદદનિશ નિયામક શ્રી એ.વી. પટેલના સુપરવિઝન હેઠળ પી.આઈ. શ્રી ડી.બી. મહેતા અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું.તા. ૦૪/૦૫/૨૦૨૬ ના રોજ છટકા દરમિયાન જય આદીવાસી એ ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી. જ્યારે સબ-રજીસ્ટ્રાર વતી આરોપી અને એક ખાનગી વ્યક્તિ (પ્રજાજન) નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરા એ એકબીજાના મેળાપીપણામાં લાંચની રકમ સ્વીકારી હતી.એસીબીએ સ્થળ પર જ દરોડો પાડી લાંચની રકમ રિકવર કરી હતી.એસીબીએ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી કચેરીમાં ચાલતા આ ભ્રષ્ટાચારના રેકેટનો પર્દાફાશ થતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.




