અહિલ્યાનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શ્રદ્ધાસ્થાન શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે (સીઈઓ) કથિત આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મંદિરના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયાના સપ્તાહ બાદ અધિકારીએ ગળાફાંસો ખાતાં હવે વિવાદ વકરવાના અણસાર જણાઈ રહ્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે પ્રકાશમાં આવી હતી. શ્રી શનેશ્ર્વર દેવસ્થાનના ડેપ્યુટી સીઈઓ નીતિન શેટે (43)એ શનિ શિંગણાપુર ગામમાં શેટે વસ્તી ખાતેના નિવાસસ્થાને ગળાફાંસો ખાધો હતો.શેટે મંદિરના સંચાલન મંડળના ભૂતપૂર્વ ટ્રસ્ટી પણ હતા. તેમની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ સોમવારની સવારે શેટેના પરિવારના સભ્યો વારંવાર તેની રૂમનો દરવાજો ખટખટાવી રહ્યા હતા, પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. ડરી ગયેલા પરિવારજનોએ પડોશીઓની મદદથી રૂમનો દરવાજો તોડ્યો હતો. દરવાજો ખોલતાં જ રસી સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં શેટે નજરે પડ્યો હતો.બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બેભાન શેટેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમનો અહેવાલ મળ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ પોલીસે જણાવ્યું હતું.રાજ્ય વિધાનસભાના તાજેતરના ચોમાસું સત્રમાં બનાવટી ઍપ દ્વારા ભંડોળ એકઠા કરવા અને મંદિરના દૈનિક સંચાલનમાં ભ્રષ્ટાચારના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકારે મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ સામે ગુનો નોંધવાના નિર્દેશ પોલીસને આપ્યા હતા.શેટેની આત્મહત્યાની તપાસ દરમિયાન પોલીસ મંદિરના ટ્રસ્ટ સામે થયેલા ભ્રષ્ટચારના આક્ષેપો સાથે તેને કોઈ સંબંધ છે કે કેમ તેની પણ તપાસ કરશે. (પીટીઆઈ)
