Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુપ્રીમ કોર્ટે આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને કથિત એક્સાઈઝ નીતિના કૌભાંડમાં જામીન આપતાં ૧૭ મહિને છૂટકારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને કથિત એક્સાઈઝ નીતિના કૌભાંડમાં જામીન આપતાં ૧૭ મહિને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો છૂટકારો થયો છે. કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની ઝાટકણી કાઢતા સુપ્રીમે કહ્યું કે, કોઈપણ વ્યક્તિને સજા વિના આટલો લાંબો સમય જેલમાં રાખી શકાય નહીં. કોઈ વ્યક્તિને અમર્યાદિત સમય સુધી જેલના સળિયા પાછળ ધકેલી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને ઈડી અને સીબીઆઈ બંનેના કેસમાં કેટલીક શરતો સાથે નિયમિત જામીન આપ્યા હતા. સુપ્રીમના આદેશના પગલે મનીષ સિસોદિયા સાંજે તિહાર જેલની બહાર આવ્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેજરીવાલ પણ વહેલા જેલમાંથી બહાર આવશે.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને શરતી જામીન આપતા ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ વિશ્વનાથનની બેન્ચે શુક્રવારે જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયા વિરુદ્ધ નીચલી કોર્ટમાં સીબીઆઈએ ૧૩ અને ઈડીએ ૧૪ અરજીઓ દાખલ કરી હતી. આમ છતાં હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ શકી નથી. તેમને લાંબા સમયથી જેલમાં રખાયા છે. કોઈપણ વ્યક્તિને સજા વિના આટલો લાંબો સમય જેલમાં રાખી શકાય નહીં. ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ કોઈ વ્યક્તિના જામીન સજાના રૂપમાં રોકી શકાય નહીં તેવો સ્થાપિત સિદ્ધાંત ભૂલી ગયા હતા.

નીચલી કોર્ટ અને હાઈકોર્ટે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા ઈડીના મની લોન્ડરિંગ કેસ અને સીબીઆઈના ભ્રષ્ટાચારના કેસ એમ બંને કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપ્યા હતા. કોર્ટે ૬ ઑગસ્ટે આ કેસની સુનાવણી પુરી કરી હતી અને ચૂકાદો અનામત રાખ્યો હતો. મનીષ સિસોદિયાને ફરીથી ટ્રાયલ કોર્ટ મોકલવાની એસસીજી રાજુની દલીલની ટીકા કરતા બેન્ચે જણાવ્યું કે, કેસ વહેલા પૂરો થઈ જશે તેવી આશામાં અરજદારને અમર્યાદિત સમય સુધી જેલમાં રાખી શકાય નહીં. અરજદારને અમર્યાદિત સમય સુધી જેલમાં રાખવો એ બંધારણની કલમ ૨૧ હેઠળ તેને સ્વતંત્રતાના મૌલિક અધિકારથી વંચિત કરવા સમાન હશે.

બેન્ચે જણાવ્યું હતું કે, વારંવાર જોવા મળ્યું છે કે કોઈ વ્યક્તિને કોઈ ગૂના માટે દોષિત ઠેરવતા પહેલા લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય નહીં. વધુમાં કોઈપણ નાગરિકને જામીન માટે એક કોર્ટથી બીજી કોર્ટ ભાગવાનું કહી શકાય નહીં. પછી આ મામલો સાપ-સીડીની રમત જેવો બની જાય છે. આ અરજી સુનાવણી યોગ્ય નથી તેવી ઈડીની દલીલ બેન્ચે ફગાવી દીધી હતી અને કહ્યું કે, ૧૭ મહિના લાંબી કેદ અને કેસ શરૂ નહીં થવાના કારણે સિસોદિયાને સુનાવણીના અધિકારથી વંચિત કરી દેવામાં આવે તે અયોગ્ય છે. વર્તમાન કેસમાં ઈડીની સાથે સીબીઆઈએ ૪૯૩ સાક્ષીઓના નામ આપ્યા છે. આ કેસમાં હજારો પાનાંના દસ્તાવેજ અને એક લાખથી વધુ પાનાના ડિજિટલ દસ્તાવેજ સામેલ છે.

આ પ્રકારે એ સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં કેસના સમાપનની દૂર-દૂર સંભાવનાઓ નથી. બેન્ચે ઉમેર્યું કે, સિસોદિયાને ઑક્ટોબર ૨૦૨૩માં નીચલી અદાલત અને હાઈકોર્ટ જવાનું કહેવાયું હતું. તે સમયે ઈડીએ ટ્રાયલ કોર્ટમાં કેસ શરૂ કરવા ૬થી ૮ મહિનાનો સમય માગ્યો હતો. તે મુજબ જુલાઈમાં કેસ શરૂ થઈ જવો જોઈતો હતો. સિસોદિયાને જામીન માટે ફરીથી ટ્રાયલ કોર્ટ જવાનું કહેવામાં આવે તો તે ન્યાયની મજાક ઉડાવવા સમાન થશે. આરોપીને ત્વરિત સુનાવણીનો અધિકાર છે. અરજદારે સુનાવણીમાં વિલંબ કર્યો હોય તેવા કોઈ પુરાવા નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને બે શ્યોરિટી સાથે રૂ.૧૦-૧૦ લાખના પર્સનલ બોન્ડ, પ્રત્યેક સોમવારે તપાસ અધિકારી સમક્ષ હાજરી અને પૂરાવાઓ સાથે ચેડાં નહીં કરવાની શરતો પર જામીન આપી દીધા હતા.

જોકે, સિસોદિયાને મુખ્યમંત્રી ઓફિસ અથવા દિલ્હી સચિવાલય જતા રોકવાની ઈડીની માગ સુપ્રીમે ફગાવી દીધી હતી. સીબીઆઈએ કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં ૨૬ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યાર પછી ઈડીએ તિહાર જેલમાં જ ૯ માર્ચ ૨૦૨૩ના રોજ કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. જામીન મળતા સિસોદિયાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘સત્યમેવ જયતે.’ તિહાર જેલમાંથી બહાર આવીને મનીષ સિસોદિયાએ જેલ બહાર એકત્ર થયેલા કાર્યકરોને સંબોધન કર્યું હતું અને કહ્યું કે, આજે હું બાબાસાહેબ આંબેડકર અને બંધારણનો ઋણી છું. બંધારણ અને સત્યની તાકાતથી મને જામીન મળ્યા છે. હું બહાર નીકળ્યો તેમ અરવિદ કેજરીવાલ પણ ટૂંક સમયમાં બહાર આવી જશે. તાનાશાહી સરકારથી નિર્દોષોને બંધારણ બચાવશે. સુપ્રીમ કોર્ટે તાનાશાહીના મોં પર તમાચો માર્યો છે. સિસોદિયા જેલમાંથી મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા હતા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!