સુરત શહેરના ઓલપાડના મોર ગામની સીમમાં મોર ગામના સુનિલ ભગવાગરના એસ.આર.એક્વાકલ્ચર કંપનીના ઝીંગાના તળાવો આવેલા છે. આ તળાવ ઉપર મૂળ ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાનો સગીર આકાશ દુદુ મુંડા (ઉ.વ.આ.૧૬) તેના વતનના યુવક સાથે રહી ત્યાં મજૂરી કામ કરતો હતો. 
જોકે ગત તારીખ ૧૨ નારોજ સાંજના સમયે આકાશ મુંડા તળાવના કિનારે પાળ ઉપર ઊભેલો હતો. તે સમયે જોરથી પવન ફૂંકાતા દ.ગુ.વીજ કંપનીના પોલના એલ.ટી.વાયરની લાઈનનો ચાલુ વીજ પ્રવાહનો વાયર અચાનક તૂટીને આકાશ મુંડાના પગ ઉપર પડયો હતો. જેથી તેને જોરદાર વીજ કરંટનો ઝાટકો લાગતા તે દાઝી જઈ જમીન ઉપર દૂર ફંગોળાતા શરીરના ભાગે ઇજા થઈ હતી. જેના કારણે તેને સારવાર માટે ઓલપાડ લઈ જવાતા ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે મૃતક સાથે મજૂરી કામ કરતાં વતનના શ્રમિક યુવક ગણેશ દયા મુંડાએ ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. અનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




