સુરત શેરના ડીંડોલી પોલીસે ગેરકાયદે મંડળી રચીને હત્યા તથા પુરાવાનો નાશ કરવાના કારસામાં વર્ષ-2019 થી જેલભેગા કરેલા આરોપીએ અગાઉ સ્થાનિક તથા હાઈકોર્ટે 9 વખતે નકારાયેલા જામીન બાદ વધુ એકવાર વિલંબિત ટ્રાયલના મુદ્દે કરેલી જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ પી.બી.પટેલે નકારી કાઢી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વતની ફરિયાદી મહેન્દ્ર દાનજીભાઈ સોલંકી તથા તેના પરિવારના સભ્યો ડીંડોલી સંતોષીનગરમાં રહેતા હતા.જે દરમિયાન મકાનનો એક હિસ્સો આરોપી સુલતાન ઉર્ફે બંબૈયા ગુલામઅલી શેખ પાસે ગીરવે મુક્યો હતો.જે મકાન ખાલી કરાવવા ફરિયાદી તથા આરોપી વચ્ચે ઝઘડો ચાલતો હતો.ગઈ તા.30-3-2019ના રોજ આરોપી સુલતાન ઉર્ફે બંબૈયા, ઈમરાનખાન ઉર્ફૈ ભૈયા સલીમખાન પઠાણ, ઝુબેરખાન ઉર્ફે ઝુબેર કાલીયા, સાહીદ ઉર્ફે સઈદ કણીયા નિશાર પીંજારી, સમીર સલીમ કાલુ શેખ વગેરે આઠ જેટલા આરોપીઓ ફરિયાદી મહેન્દ્ર તથા તેના ભાઈ ગુલાબ ઉર્ફે ગુલીયા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ગુલાબ ઉર્ફે ગુલીયા સોલંકીનું મોત નિપજ્યું હતુ.આ કેસમાં ડીંડોલી પોલીસે એટ્રોસીટી એક્ટ,હત્યા તથા હત્યાનો પ્રયાસ અને પુરાવાના નાશ કરવાના ગુનાઈત કારસામાં પાંચ વર્ષ પહેલાં જેલભેગા કરેલા આરોપી ઈમરાનખાન ઉર્ફે ભૈયા સલમાનખાન પઠાણે વિલંબિત ટ્રાયલના મુદ્દે જામીન માંગ્યા હતા.બચાવપક્ષે જણાવ્યું હતું કે વર્ષ-2019 થી કેસ પેન્ડીંગ છે.કુલ 31 પૈકી 25 સાક્ષી હોસ્ટાઈલ જાહેર થઈ ચુક્યા છે.આરોપીની ફરિયાદમાં નામ નથી.ફરિયાદીએ ઉલટતપાસમાં આરોપીની ગુનામાં ભુમિકા ન હોવાનું જણાવ્યું હોઈ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ભરતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે તે પંચનામાના સાક્ષી છે.જેથી પંચસાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થાય તે જામીનનો આધાર ન બની શકે.હાઈકોર્ટે આરોપીના જામીનને નવ વખત નકાર્યા છે.આરોપી સામે હત્યા જેવા ગંભીર ગુનામાં સાયન્ટીફિક પુરાવા તથા મટીરીયલ સાક્ષી તપાસવાના બાકી છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગ નકારી કાઢી છે.




