રાજ્ય સહિત નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા તિલકવાડા તાલુકાના છેવાડા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્ર શ્રી સુરેશભાઈ વસાવા કપાસની સાથે આંતર પાકની પ્રાકૃતિક ખેતી કરી આત્મનિર્ભર બનીને અન્ય ખેડૂતમિત્રોને પ્રોત્સાહિત કરે છે. સુરેશભાઈ વસાવા જણાવે છે કે, નર્મદા જિલ્લાના પ્રગતિશિલ ખેડૂતમિત્રોના ગૃપ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા મળી હતી અને તેમના થકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા અને આત્મા પ્રોજેક્ટ અંગે માહિતી મળી ત્યારે હુ છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યો છુ.
નર્મદા જિલ્લામાં ખેતી સાથે સંકળાયેલા વિભાગ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ તમામ ગામોને આવરી લઈને ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને સરકાર દ્વારા ખેતી ઉપયોગી અનેક સહાય આપી ખેડૂતોની જરૂરિયાત પુર્ણ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતમિત્ર સુરેશભાઈ વસાવાને દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ દ્વારા તાલીમ મેળવી અને પ્રેરણા પ્રવાસ થકી પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરી ખેડૂતમિત્ર સુરેશભાઈ વસાવા કપાસની સાથે તુવેર, મરચી, રીંગણ અને મકાઇ સહિતની ખેતી કરે છે. ખેડૂતમિત્ર સુરેશભાઈ વસાવાએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે વર્ષે પહેલા મારા ખેતરમાં રાસાણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતો હતો જેનાથી જમીનની ગુણવત્તા ઘટાડો થયો હતો અને દર વર્ષે વધુ પડતા ખર્ચ કરી રાસાણિક ખાતર ખરીદી કરી ઉપયોગ કરવો પડતો હતો. જ્યારથી ગૌ-આધારિત અને જીવામૃત અને ઘનામૃતનો ઉપયોગ કરી રહ્યો છુ ત્યારથી બમણી કમાણી થાય છે અને ગુણવત્તાયુક્ત પાક મળે છે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ઘરબેઠા આવક મેળવી પરિવાર સાથે ખુશાલીથી જીવન જીવુ છુ.




