ગરૂડેશ્વર: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરૂડેશ્વર વિસ્તારમાં સરકારી અધિકારીઓને ફાળવાયેલા રહેણાંક પ્લોટ પર થયેલા કથિત ગેરકાયદેસર બાંધકામો સામે જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. રવિવારથી શરૂ કરાયેલી ડિમોલિશન ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત રહી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી અને બુલડોઝર વડે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ વર્ષ 2019માં નર્મદાના તત્કાલીન કલેક્ટર આર.એસ. નિનામાએ 13 સરકારી અધિકારીઓને રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવ્યા હતા. પ્લોટ ફાળવણી સાથે સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ કરવું તેમજ માત્ર રહેણાંક ઉપયોગ જ કરવો જેવી સ્પષ્ટ શરતો નક્કી કરવામાં આવી હતી.પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક પ્લોટધારકોએ સમયમર્યાદામાં બાંધકામ શરૂ કર્યું નહોતું, જ્યારે કેટલાકે પ્લોટ ફાળવણીની શરતો તેમજ ટાઉન પ્લાનિંગના નિયમોને અવગણીને બાંધકામ ઊભા કર્યા હતા. વહીવટી તંત્રના દાવા મુજબ કેટલીક ઇમારતો માટે જરૂરી મંજૂરી પણ લેવામાં આવી નહોતી અને રહેણાંક પ્લોટનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે કરવાની તૈયારી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.આ મામલે હાલના કલેક્ટરે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં પણ પ્લોટ ફાળવણીની શરતોનો ભંગ થયો હોવાનું સાબિત થાય, તે જમીન સરકારના કબજામાં પરત લેવામાં આવે. આ નિર્ણયથી વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે.
અગાઉ પણ શરતોનું પાલન ન થતાં 13માંથી 6 પ્લોટ સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. બાકીના સાત પ્લોટધારકોમાંથી બે અધિકારીઓએ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લીધો છે, જ્યારે બાકીના પાંચ પ્લોટ પર થયેલા કથિત ગેરકાયદેસર બાંધકામો સામે હવે તંત્રે સીધી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે.સૂત્રોના જણાવ્યા મુજબ કાર્યવાહી પહેલાં ગરૂડેશ્વર ગ્રામ પંચાયતે પ્લોટધારકોને ગેરકાયદેસર બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવા માટે ત્રણ વખત નોટિસ ફટકારી હતી. છતાં પાલન ન થતાં આખરે બુલડોઝર ચલાવવાનો નિર્ણય લેવાયો.આ સમગ્ર કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે નિયમોનો ભંગ કરનાર સામાન્ય નાગરિક હોય કે ઉચ્ચ અધિકારી – કાયદાની નજરે કોઈને વિશેષ છૂટછાટ આપવામાં આવશે નહીં.




