અમદાવાદ ગ્રામ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાં અધિકારીઓએ ગતરોજ વોચ ગોઠવીને વિરમગામનાં જખવાડા ગામના મહિલા તલાટી કમ મંત્રીને રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. તેમણે ફરિયાદી પાસે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. આ અંગે એસીબીએ કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, વિરમગામના જખવાડા ગામમાં રહેતા એક વ્યક્તિને ત્યાં ૨૦ દિવસ પહેલા પુત્રીનો જન્મ થયો હતો.
તે સમયે તે તલાટી કમ મંત્રી કાશ્મીરાબેન મકવાણાને મળ્યા હતા. કાશ્મીરાબેને તેમને કહ્યું હતું કે, જન્મના પ્રમાણપત્રના બદલામાં ૨૦ હજાર રૂપિયા આપવા પડશે. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે થોડા દિવસમાં નાણાં એકઠા કરીને આપવાનું કહ્યું હતું. બીજી તરફ ફરીયાદીએ આ અંગે એસીબીમાં જાણ કરી હતી અને શુક્રવારે નાણાં આપવાનું નક્કી થતા એસીબીએ વોચ ગોઠવીને કાશ્મીરાબેન મકવાણાને રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, એસીબીના હાથે ઝડપાયેલા તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયતમાં મોટાપ્રમાણમાં ગેરરીતિ આચરી હોવાની અગાઉ ઉચ્ચ કક્ષા ફરિયાદ પણ થઇ ચુકી હતી.
