૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર દેશની સાથે આપણા જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે વરસાદના વિઘ્ન વચ્ચે પણ સાચા અર્થમાં આપણે યોગમય બન્યા હોય તેવો માહોલ ઠેર ઠેર જગ્યાએ જોવા મળ્યો હતો. તાપી જિલ્લામાં શાળાઓ, કોલેજો તથા આઈ.ટી.આઈ અને આરોગ્ય કેન્દ્રો વગેરે સ્થળો તેમજ તાલુકાઓ અને નગરપાલિકા કક્ષાએ વિવિધ આસનો, યોગ અને પ્રાણાયામ તથા ધ્યાન ધરીને યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
યોગ કોચ દ્વારા ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ હેઠળ યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા હતા અને યોગ વિશે સમજણ અપાઈ હતી. એ દિવસો દૂર નથી જેમાં આપણે રોગ અને મેદસ્વિતા મુક્ત બનવા જ નહીં પરંતુ જીવન શૈલીના એક ભાગરૂપે રોજિંદા જીવનમાં યોગને વાણી લેશું. તાપી જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ઉપરાંત વિવિધ જગ્યાએ યોજાયેલ યોગ કાર્યક્રમમાં તાપીવાસીઓ વિશાળ સંખ્યામાં સામૂહિક રીતે જોડાઈને વિવિધ યોગાસનોનું નિદર્શન કર્યું હતું.
