વ્યારા નગરનાં ખટાર ફળિયામાં બાંધકામ સાઈટ પાસેની ઝૂંપડપટ્ટી પર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે વિકરાળ આગ લાગી હતી. આગને કારણે સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને ગણતરીના સમયમાં જ બુઝાવી નાંખી હતી. 
ગેસનો બાટલો બ્લાસ્ટ થવાના કારણે ત્યાં સ્થળ ઉપરના ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતાં. જોકે શ્રમિકો પોતાના કામ માટે ગયા હોવાના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ શ્રમિકોનો તમામ સામાન બળી જવાથી નુકસાન થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જયારે સ્થળ ઉપર પહોંચતા જોતા આગ વિકરાળ હતી તેમજ રાંધણ ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો જેના કારણે આગ લાગી હતી. અહીં હાજર તમામ લોકોને અમે આગનાં સ્થળથી દૂર કરી તાત્કાલિક ધોરણે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી હતી.




