મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા નગરનાં ઉનાઈ નાકા પાસેથી પીકઅપ ટેમ્પોમાંથી ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂનો જથ્થો સાથે બે યુવકો ઝડપાયા હતા, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસોને તારીખ 27 નારોજ ખાનગી રહે બાતમી મળી હતી કે, ઉચ્છલ સોનગઢ તરફથી એક પીકઅપમાં બે ઈસમો ગેરકાયદેસર રીતે દારૂ ભરીને સુરત તરફ જનાર છે. 
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો વ્યારા ઉનાઈ નાકા પાસે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળો પીકઅપ ટેમ્પો નંબર GJ/26/T/6340ને આવતાં જોઈ ટેમ્પોને ઉભો રખાવી ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, લાલજી ઝાલાભાઈ કોટવાળીયા અને બાજુમાં બેસેલ ક્લીનર નિલેશ મીરાજીભાઈ કોટવાળીયા (બંને રહે.જામણકુવા ગામ, દાદરી ફળિયું, સોનગઢ)ના હોવાનું જવાન્યું હતું.
ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. જોકે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારુનો જથ્થો સોનગઢના અલીફ નગરના ગોફૂર સકુરભાઈ પટેલને આપવાનો હોય તેને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




