તાપી જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2025-26 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની કામગીરીની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક જિલ્લા પ્રભારી તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષસ્થાએ યોજાઇ હતી.બેઠકમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬ હેઠળના તાપી જિલ્લાના સાતેય તાલુકાઓ માટે કુલ રૂ.૭૭૮૯.૬૬ લાખના ૧૨૧૮ કામોને મંજૂરી આપી હતી. આ કામો આદિજાતિ વિસ્તારોમાં જીવનમુલ્ય સુધારવા, આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવા અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મુકાયા છે.
આ બેઠકમાં પ્રભારીશ્રી મુકેશભાઇ પટેલે ન્યુ ગુજરાત પેટર્ન યોજના-વર્ષ ૨૦૨૪-૨૫ ની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપી ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૪-૨૫ અંતર્ગત મંજુર થયેલ કામોની પ્રગતિ તેમજ બાકી સીસી અને યુટીસીની સમીક્ષા કરતા પ્રભારી મંત્રશ્રીએ બાકી રહેલા તમામ કામો તાત્કાલિક પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાં લેવામાં સુચનો કર્યા હતા.તેમજ અધિકારીઓને કાર્યક્ષમતા, જવાબદારી અને પારદર્શિતા જાળવવા તેમજ લાભાર્થીઓ સુધી યોજનાના લાભો અસરકારક રીતે પહોંચે તે માટે સૂચનાઓ આપી હતી.વધુમાં અમલીકરણ અધિકારીઓને કોઈ પણ યોજના કે લાભાર્થીઓનું ડુપ્લિકેશન ન થાય તેમજ આયોજનમાં લેવાયેલ કામો કે લાભાર્થીઓમાં કોઇ ફેરબદલ ન થાય તે માટે ખાસ અધિકારીઓને તાકિદ કર્યા હતા.આયોજન મુજબ પાણીની સુવિધા,વીજળી માટે નવી દરખાસ્ત રજુ કરવી, સખીમંડળની બહેનોને આજીવિકાને લગતી તાલીમ આપવા તેમજ બહેનોને પ્રાકૃતિક ખેતી સાથે જોડી તેમને જિવામૃત બનાવી અન્ય ખેડુતોને વેચાણ કરે તે માટે પ્રોત્સાહ્ન પુરું પાડવા, આંગણવાડીને લગતા બાંધકામો, મધ્યાહન ભોજનના શેડને લગતા કામો, શિક્ષણ માટે ભૌતિક સુવિધાઓનો વધારો કરવા, ખેડૂતોને સરળતાથી લાભ મળી રહે તે અંગેનું આયોજન કરવા મંત્રીશ્રીએ, સૌ અધિકારી/પદાધિકારીઓને એક બીજા સાથે સંકલન સાધી એક બીજાના સહયોગથી કામગીરી કરવા સુચન કર્યું હતું.
વધુંમાં પ્રભારીશ્રીએ ઉમેર્યું હતું કે તમામ જિલ્લા તાલુકા કે ગ્રામ્ય કક્ષાએ થતા વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કે નાના મોટા શુભારંભ કાર્યક્રમ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓને જાણ કરી તેમને હાજર રાખવા સુચન કર્યુ હતું. તેમજ જે વિકાસ કામોમાં અવરોધ સર્જતા સ્થાનિક પ્રશ્ન હોય તે માટે પદાધિકારીઓનું ધ્યાન દોરવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. સમગ્ર બેઠકનું સંચાલન કરતા પ્રાયોજના વહિવટદારશ્રી એ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ન્યુ ગુજરાત પેટર્નની જોગવાઈ હેઠળ રસ્તા, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામુહિક આરોગ્ય તથા અન્ય વિકાસના કામો, રોજગાર, પોષણ, આરોગ્ય, ભૂમિ સંરક્ષણ, પંચાયત, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, જળ સરંક્ષણ, વન વિકાસ, ગ્રામ્ય માર્ગો, સ્થાનિક વિકાસના કામો અને પ્રવાસન ક્ષેત્રના કામોની વિગતો આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી સર્વે શ્રીઓ મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત સહિત તાલુકા પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા,નાયબ વનસંરક્ષશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર,આર.બોરડ, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, જુદી જુદી કચેરીઓના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.
