સીહોરના કથાવાચક પ્રદીપ મિશ્રાએ રાધારાણી અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ વૃંદાવનમાં સંત સમાજ રોષે ભરાયા છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી અંગે નિવેદન મુદ્દે બે જાણિતા સંત અને કથાવાચક પણ સામસામે આવી ગયા છે. રસિક સંપ્રદાયના સંત પ્રેમાનંદે પ્રદીપ મિશ્રા દ્વારા એક પ્રવચનમાં રાધારાણી પ્રસંગ પર કરાયેલા નિવેદનની કડકાઈથી પ્રતિક્રિયા આપી છે. તેમણે મિશ્રા પર અજ્ઞાનતાનો આક્ષેપ કરી કહ્યું કે, તેમને રાધારાણી અંગે કંઈપણ બોલવાનો અધિકાર નથી. ત્યારબાદ મિશ્રાએ ઓંકારેશ્વરમાં કથા દરમિયાન વ્યાપીઠ તરફથી દિલગીરી વ્યક્ત કરી, પરંતુ તેઓ તથ્યો પર અડગ રહ્યા હતા. પ્રેમાનંદ મહારાજે 24 મિનિટનો વીડિયો બનાવી પ્રદીપ મિશ્રાને ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારા ભગવાન પર સવાલ ઉઠાવનારાઓને નર્કમાં પણ જગ્યા નહીં મળે.
રાધાજી અંગે બોલનારા-તને નર્કમાંથી કોઈ નહીં બચાવી શકે. જેની પાસેથી આજીવિકા મેળવી રહ્યો છે, તે ભગવાનની નિંદા કરે છે. જેને રસ ગ્રંથોનું જ્ઞાન નથી, તેને લાડલીજી અંગે બોલવાનો કોઈ અધિકાર નથી. બ્રહ્માજી પણ રાધાજી અંગે સંપૂર્ણ જ્ઞાન મેળવી શક્યા નથી. આવા કથાવાચકો આ લોકના લાયક પણ નહીં રહે અને પરલોકના લાયક પણ નહીં રહે.’ વિવાદ બાદ પંડીત પ્રદીપ મિશ્રાએ કહ્યું કે, ‘હું રાધારાણીનો અનન્ય ભક્ત છું. મેં કથાવાંચન પહેલા બરસાનામાં રાધારાણીની 51 પરિક્રમા કરી હતી. મેં ગોવર્ધનની પણ ઘણીવખત પરિક્રમા કરી છે. શિવપુરાણ કથા પહેલાં હું રાધારાણીનું ભજન ગાઉં છું. મેં રાધાજીના લગ્ન, જન્મ વગેરે અંગે જે પણ વાત કહી છે, તે વાતો બ્રહ્મદેવત્વ પુરાણ, રાધા રહસ્ય અને કાલી પીઠના પુસ્તકોમાંથી લીધી છે.
ભગવાન શ્રી કૃષ્ણની પત્નિઓમાં રાધારાણીનું નામ નથી, તે વાત મે પ્રમાણ સાથે કહી છે. કેટલાક લોકો કારણવગર શિવ પુરાણ કથા અને તેને બદનામ કરવા માંગે છે.’ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ‘મેં કહેલી વાતોનું પ્રમાણ છે, જેને પણ પ્રમાણ જોઈએ, તેઓ સીહોરના કુબેરેશ્વર ધામ આવી જાય. આ અંગે હું ચર્ચા કરવા તૈયાર છું.’ બીજીતરફ પંડિત પ્રદીપ મિશ્રાના નિવેદનથી મથુરાના સ્થાનિક લોકોએ પણ ગુસ્સો ઠાલવ્યો છે. બ્રજ તીર્થ દેવાલય ટ્રસ્ટે બુધવારે આ મામલાને લઈને એસએસપીને મળ્યા અને તેમને એફઆઈઆર નોંધવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું. વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પંડિત પ્રદીપ મિશ્રાનું પૂતળું પણ સળગાવાયું હતું.
